આજકાલ સ્માર્ટફોને આપણને સૌને ‘એમબીએ’ બનાવી દીધા છે. વોટ્સએપ પર આવતા મેસેજિસ, યુટ્યૂબના વીડિયો વગેરેએ આપણને જાતભાતના વિષય માટે એમ કહેતા કરી દીધા કે ‘મને બધું આવડે’, પણ જ્યારે કોઈ સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો સમય આવે ત્યારે આપણી આ ‘એમબીએ’ ડિગ્રી ખરેખર કેટલી કામની છે એ બરાબર સમજાઈ જાય!
વાસ્તવમાં, સ્માર્ટફોન આપણને ચોક્કસપણે ‘એમબીએ’ બનાવી શકે, પણ આપણને એનો યોગ્ય ઉપયોગ કરીએ તો.
જુદા જુદા અનેક વિષય અંગેનું અગાધ જ્ઞાન ઇન્ટરનેટ પર ધરબાયેલું પડ્યું છે અને આપણે વાયા સ્માર્ટફોન તેના સુધી પહોંચી શકીએ, જો આપણે એ માટે તત્પર હોઈએ તો. અને હવે તો ફકત નવું નોલેજ મેળવવા માટે જ નહીં, જે નોલેજ મળ્યું છે તેમાંથી આપણે કેટલું પચાવી શક્યા છીએ એ તપાસવામાં પણ સ્માર્ટફોન કામે લાગે છે.
કોલેજમાં સારા માર્ક આવ્યા હોય ને અલગ અલગ કંપનીમાં જોબ માટે એપ્લાય કર્યું હોય ત્યારે આપણે બીજા, અનુભવી મિત્રો પાસેથી ઇન્ટરવ્યૂ માટે ટિપ્સ લેતા હોઈએ છીએ. કેવા પ્રશ્નો સામાન્ય રીતે પૂછાતા હોય છે, એના કેવા જવાબ આપવા એની આપણે મનોમન પ્રેક્ટિસ કરીએ અને જ્યારે ખરેખર ઇન્ટરવ્યૂ કોલ આવે ત્યારે મિત્રોને ઇન્ટરવ્યૂ લેનારા લોકોની પેનલ તરીકે ગોઠવીને અથવા તો ઘરમાં અરીસા સામે આપણે એકલા પણ પ્રેક્ટિસ કરીએ.
આવી પ્રેક્ટિસ કરવા માટે હવે ગૂગલ આપણા અનુભવી મિત્રની ભૂમિકા ભજવે છે!
પાછલા થોડા સમયથી આખી દુનિયામાં, ખાસ કરીને આઇટીના ફીલ્ડમાં એજ્યુકેશનની દૃષ્ટિએ જબરી ઉથલપાથલ થઈ રહી છે. ગૂગલે ફક્ત છ મહિનાના એવા સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કર્યા છે, જેને પાર કરીને કોઈ પણ યુવાન ચાર વર્ષ કોલેજમાં પસાર કરીને ડિગ્રી મેળવનાર સ્ટુડન્ટની હરોળમાં આવી શકે છે (ફક્ત અનુભવ મેળવવાના આશયથી મેં પોતે આવો એક સર્ટિફિકેટ કોર્સ જોઇન કર્યો હતો, સમયના અભાવે પૂરો કરી શક્યો નહીં!).
એ કોર્સના અને અન્ય વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવવા માટે ગૂગલે ‘ઇન્ટરવ્યૂ વૉર્મઅપ’ નામે એક ટૂલ તૈયાર કર્યું છે. આ અંકમાં તેની વિગતવાર વાત કરી છે.
એ જ રીતે, ગયા મહિને એક અખબારમાં એચસીએલ ટેક્નોલોજિસ કંપનીની એક જાહેરખબર તરફ ધ્યાન ખેંચાયું. આ કંપની ધોરણ બાર પછી તરત કંપનીમાં સ્ટાઇપેન્ડ સાથે ટ્રેનિંગ, ત્યાર પછી જોબ અને જોબ સાથે સારી યુનિવર્સિટીમાં ડિગ્રી માટે અભ્યાસની તક આપે છે!
ફરી ધ્યાન આપજો – ધોરણ બાર પછી તરત!
વાત ભારતની છે એટલે તેમાં કોલેજ અને ડિગ્રીને સાવ બાયપાસ કરવામાં આવ્યાં નથી. આ અંક તમારા હાથમાં આવશે ત્યારે બની શકે કે આ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન હજી ચાલુ હોય. બાકી આવતા વર્ષના વિદ્યાર્થીઓને એ કામ લાગશે.
મુદ્દો એ છે એજ્યુકેશનની રીતે આપણી દુનિયામાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યાં છે. એને ખુલ્લા દિલે આવકારવાની, સારાં-નરસાં પાસાં સમજવાની અને આપણા લાભની હોય તેવી બાબતો પૂરેપૂરી અપનાવી લેવાની આપણી તૈયારી જોઈએ.
– હિમાંશુ