ડિજિટલ કરન્સી – તેર વર્ષ પહેલાં, ૨૦૦૯માં પહેલી વાર ‘ડીસેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટો કરન્સી’ તરીકે બિટકોઇન લોન્ચ થયો ત્યારથી આખી દુનિયામાં આ વિષય જુદાં જુદાં ઘણાં કારણોસર ચર્ચાતો રહ્યો છે.
બિટકોઇનનું આગમન થયું એ પહેલાં સુધી દુનિયાનું અર્થતંત્ર બે પ્રકારનાં નાણાંથી ચાલતું રહ્યું હતું – ધોળાં નાણાં અને કાળાં નાણાં! બધા દેશોની બેન્કિંગ વ્યવસ્થા પર જે તે દેશની સેન્ટ્રલ બેન્ક (જેમ કે ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)નો પૂરેપૂરો અંકુશ હોય. કેટલી રકમ, કોના ખાતામાંથી કોના ખાતામાં ગઈ એની પૂરેપૂરી ખબર આ સેન્ટ્રલ બેન્કને હોય. એ બધો ‘ધોળાં નાણાં’નો એટલે કે નાણાંનો કાયદેસરનો વ્યવહાર થયો.
પરંતુ બેન્કના ખાતામાંથી નાણાં રોકડ નોટો સ્વરૂપે બહાર પડે એ પછી તેના ઉપયોગ બાબતે સેન્ટ્રલ બેન્ક અને સરકાર લગભગ અંધારામાં રહે. એ નોટોનો કાયદેસર ઉપયોગ થાય અથવા કોઈ હિસાબકિતાબ બેન્ક કે સરકારના ચોપડે ચઢ્યા વિના ચૂંટણી સમયે બેફામ ઉપયોગ થાય, તેમાંથી ઝવેરાત ને જમીન મિલકત ખરીદાય કે છેવટે તે સ્વિસ બેન્કમાં પણ પહોંચે. આ બધાં બેહિસાબી, કાળાં નાણાં આખરે તો સરકારના ખાતે ખોટ બનતાં જાય.
બીજી તરફ, ક્રિપ્ટો કરન્સી પણ સરકાર કે સેન્ટ્રલ બેન્કના નિયંત્રણ વગરના ચલણ તરીકે જ વિકસી. ફેર એટલો કે તેમાં કશું રોકડ સ્વરૂપે નહીં, માત્ર ડિજિટલ સ્વરૂપે.
આ નાણાંં નક્કર સોનાના ભંડાર સામે છપાતી ચલણી નોટ તરીકે નહીં, પણ કમ્પ્યૂટર્સના નેટવર્કમાં ‘માઇનિંગ’ તરીકે ઓળખાતી જટિલ વ્યવસ્થાથી માર્કેટમાં આવે. લોકો પોતાના ડોલર, પાઉન્ડ કે રૂપિયાથી ક્રિપ્ટો કરન્સી ખરીદે ને તેની લેવેચ કરે.
એક તબક્કે ફેસબુક, ટેલિગ્રામ જેવી કંપનીને પણ પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવાની ચળ ઉપડી હતી.
ક્રિપ્ટો કરન્સી વિવિધ દેશોની સત્તાવાર વ્યવસ્થાને સમાંતર અને તેને માટે પડકાર રૂપ છે. તેનો ઉપયોગ બેનામી વ્યવહારો અને આર્મ્સ, ટેરરિઝમ અને ડ્રગ્સ માટે પણ થાય છે. સામાન્ય માણસ ક્રિપ્ટોમાં તોતિંગ વળતર મળતું જોઈને તેમાં રોકાણ માટે લલચાય, પણ તેના ભાવમાં એટલી ઊંચનીચ છે કે સામાન્ય માણસની એ કમર તોડી નાખી.
આ બધા કારણે ભારત સરકારને ક્રિપ્ટો કરન્સી સામે વાંધો હતો, પણ તેનું ડિજિટલ સ્વરૂપ સરકારને આકર્ષતું પણ હતું! એટલે ગયા બજેટમાં કરેલી જાહેરાત અનુસાર, આ વર્ષે નવેમ્બર મહિનામાં ભારત સરકારની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવી.
યુપીઆઇને કારણે, ઼ડિજિટલ સ્વરૂપે ઓનલાઇન મની ટ્રાન્ઝેક્શનની આપણને હવે કોઈ નવાઈ રહી નથી, પણ આ ડિજિટલ કરન્સી આપણે માટે નવી વાત છે. અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ભારતની આ ડિજિટલ કરન્સી ઇન્ટરબેન્ક્સ અને મોટા બિઝનેસની નાણાંની આપલે તથા લાંબા ગાળે વિદેશો સાથેની ભારતની રૂપિયાની આપલેમાં, દેશ માટે બહુ ફાયદાકારક સાબિત થશે. સરેરાશ નાગરિક તરીકે આપણે તેનો કદાચ ઓછો ઉપયોગ કરીશું. છતાં, ‘સ્માર્ટ બેન્કિંગ’ની દરેક નવી પહેલમાં ઊંડા ઊતરવાની ‘સાયબરસફર’ની પ્રથાને આગળ ધપાવતાં આ અંકમાં આ ડિજિટલ કરન્સીની વિગતવાર વાત કરી છે.
તેના જેટલો જ મહત્ત્વનો લેખ, બાળકો-યુવાનોમાં મોબાઇલ ગેમ્સની લત વિશેનો છે. એ લેખ શાંતિથી વાંચવા આગ્રહભરી વિનંતી!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)