
એન્ક્રિપ્શન – દુનિયાના બધા દેશોની સરકાર અને પોલીસ સંસ્થાઓ માટે આ ટેક્નોલોજી માથાનો દુઃખાવો બની ગઈ છે. તેના કારણે જુદા જુદા દેશોમાં પથરાયેલા ગુનાખોરો વચ્ચેની બધી વાતચીત પોલીસથી ખાનગી રહે છે.
અમેરિકાની એફબીઆઇ એ આ જ વાતને પોતાનું હથિયાર બનાવ્યું – ત્રણ વર્ષ ચાલેલા આ ઓપરેશનની સિલસિલાબંધ વિગતો…
આવર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયાને સાણસામાં લેવા માટે ભારત સરકારે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી અને તેના પાલન માટે ત્રણ મહિનાનો સમય આપ્યો ત્યારે જ આપણે ‘સાયબરસફર’માં લખ્યું હતું કે આ ગાઇડલાઇન્સનું પાલન વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ માટે અશક્ય છે. ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ માટે શક્ય છે. પરંતુ પોતાની સર્વિસ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હોવાનો દાવો કરતી મેસેજિંગ એપ્સ માટે તે અશક્ય છે. આ જ કારણે હવે વોટ્સએપ નવા નિયમો સામે અદાલતમાં ગઈ છે.