આપણા ફોનમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની સગવડ મળ્યા પછી રૂપિયાની લેવડદેવડ ખાસ્સી સહેલી બની છે અને ખિસ્સામાં બેન્કનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ રાખવાની જરૂર ઘટવા લાગી છે. ખાસ તો કોઈ દુકાને, પેટ્રોલ પંપ પર કે રેસ્ટોરાંમાં પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ કાઢવાની જરૂર રહી નથી કેમ કે યુપીઆઇ વ્યવસ્થા સીધી આપણા બેન્ક ખાતા સાથે લિંક્ડ હોવાથી, તેમાં ડેબિટ કાર્ડની જેમ સીધી ખાતામાંથી રકમની લેવડદેવડ થાય છે. શાકભાજીવાળા કે પાણીપુરીવાળા પાસે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન ન હોય, પણ યુપીઆઇના ક્યૂઆર કોડનું સ્ટિકર જરૂર હોય.