વર્ક-ફ્રોમ-હોમ અને સ્કૂલિંગ-ફ્રોમ-હોમ હવે આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બનવા લાગ્યાં છે એ સાથે લેપટોપની ડિમાન્ડ પણ વધવા લાગી છે. ગયા વર્ષે, આખી દુનિયાના વિવિધ દેશોમાં ઓફિસો બંધ થવા લાગી એ સાથે એક તરફ ડેસ્કટોપના વેચાણમાં રીતસર કડાકો બોલી ગયો, તો બીજી બાજુ લેપટોપનું વેચાણ સતત વધતું ગયું.
લોકડાઉન દરમિયાન અને ત્યાર પછીના સમયમાં, ઓફિસના કામકાજ માટે તથા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લેપટોપ અનિવાર્ય બનવા લાગ્યાં છે. પરિવારમાં જેટલા લોકો હોય એટલા સ્માર્ટફોન હોય એવી સ્થિતિ તો લગભગ આવી જ ગઈ હતી, હવે લેપટોપમાં પણ એવી સ્થિતિ સર્જાવા લાગી છે (મમ્મીઓને પણ રેસિપી ક્લાસ કે ‘યોગા’ માટેની ઝૂમ મીટિંગ એટેન્ડ કરવા માટે સ્માર્ટફોનનો સ્ક્રીન નાનો પડવા લાગ્યો છે!).