
એકવીસમી સદીનાં પહેલાં એકવીસ વર્ષમાં આપણી દુનિયા બહુ બદલાઈ ગઈ એવું તમને લાગે છે? એવો અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરશો નહીં. બહુ નજીકના ભવિષ્યમાં દુનિયા હજી ઘણી વધુ બદલાવાની છે. એની શરૂઆત થઈ જ ચૂકી છે!
સોશિયલ મીડિયા પર હેશટેગ, રીલ્સ, સ્ટોરીઝ, બેટલ રોયાલ ગેમ્સ, ઓનલાઇન શોપિંગ કે પેમેન્ટ વગેરે અત્યારે તમને ગૂંચવતાં હોય તો સાવધાન થઈ જજો. નજીકના ભવિષ્યમાં હજી ઘણું વધું શીખવાનું થશે!
ફેસબુકના માર્ક ઝકરબર્ગે, હમણાં સાથીદારો સાથે ને પછી મીડિયા ઇન્ટરવ્યૂમાં ફેસબુકના ભાવિ વિશે વાત કરી ત્યારે તેમણે એક શબ્દ ગાજતો કર્યો – મેટાવર્સ! એમને આ કન્સેપ્ટ એટલો જચી ગયો છે કે કંપનીનું નામ જ ‘મેટા’ કરી નાખ્યું છે. ફેસબુક સહિત અનેક કંપની આ દિશામાં ખાસ્સી આગળ વધી ગઈ છે.
પણ આ મેટાવર્સ છે શું?
હજી થોડાં વર્ષ પહેલાં સુધી, બધું કામકાજ આંગળીના ઇશારે, ગમે ત્યારે, ગમે ત્યાંથી કરી શકીશું એવી આપણને કલ્પના પણ નહોતી. એવું જ કંઈક મેટાવર્સનું છે. એ હાલની કલ્પનાથી પણ આગળ છે. તેને ઇન્ટરનેટ ૩.૦ કહી શકાય. એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી આગળ, ઇન્ટરનેટ ઓફ એવરીથિંગ છે! આવો જરા ઊંડાણથી તપાસીએ.