કોરોનાના પ્રસાર પછી ‘કોન્ટેક્ટલેસ’ ઓનલાઇન શોપિંગ વધુ લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે તેના ઉપયોગમાં સાવચેતીનાં પગલાં સમજી લેવા જેવાં છે.
તહેવારો નજીક આવતાં બજારોમાં જબરી ભીડ’’, ‘‘ફલાણા બજારમાં નવરાત્રી-દીવાળીની ખરીદીની ધૂમ’’ આવા સમાચારો આ વર્ષે અખબારોમાં જોવા નહીં મળે. આપણે ત્યાં તહેવારો આવે એની રોનક બજારોમાં પહેલી દેખાય. બજારો લોકોથી ઊભરાવા લાગે, દુકાનદારને શ્વાસ લેવાની નવરાશ ન હોય, દુકાને દુકાને ભાવતાલ ચાલતા હોય, એ બધું હવે બહુ ઓછું જોવા મળશે. કોરોનાએ દુનિયાઆખીનાં સમીકરણો બદલી નાખ્યાં છે અને હજી પણ આગળ કેવી પરિસ્થિતિ હશે તેના વિશે છાતી ઠોકીને કોઈ કંઈ કહી શકે તેમ નથી. એટલે આ વખતે કદાચ છાપામાં આવા સમાચારો વધુ જોવા મળશે… ‘‘ફલાણી શોપિંગ વેબસાઇટે ફક્ત એક દિવસમાં આટલા કરોડની કમાણી કરી’’, ‘‘ઓનલાઇન શોપિંગ માટે ઢીંકણી વેબસાઇટ પર ભારે ધસારો, સાઇટ ક્રેશ થઈ ગઈ’’.