જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની દરેક હીલચાલ પર નજર રાખીને તેને ડેટાને એઆઈ અને ફેસિયલ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી સાથે સાંકળવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે.
થોડા સમય પહેલાં એક મુદ્દો ખાસ્સો ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો હતો. અમદાવાદમાં એક મહિલા તેમના પતિને નામે આવેલું ટ્રાફિક પોલીસનું ઇ-ચલણ લઇને પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ત્યાં હાજર સ્ટાફને પૂછ્યું હતું કે ‘‘મારા પતિ હેલમેટ વિના બાઇક ચલાવી રહ્યા હતા એટલે આ ચલણ તો તમે ભલે ઠપકાર્યું, પણ બાઇક પર એમની પાછળ એમની આ કઈ ‘સગલી’ બેઠી છે એ મને ઓળખી બતાવો!’’
ગુજરાતનાં શહેરોમાં આપણે ટ્રાફિક સંબંધિત કોઈ પણ ગુનો કરીએ તો ગુનાના પુરાવારૂપ ફોટોગ્રાફ સાથેનું ઈ-ચલણ આપને મોકલવામાં આવે છે એ તો હવે જાણીતી અને ઘણા લોકોના પોતાના અનુભવની વાત છે! પેલી મહિલાને અમદાવાદની પોલીસે શું જવાબ આપ્યો એ તો ખબર નથી પરંતુ…
જો આવો જ કિસ્સો ચીનના કોઈ શહેરમાં બન્યો હોત તો કદાચ ત્યાંની પોલીસે બાઇક પર પાછળ બેઠેલી પેલી બીજી યુવતીનું નામ અને સરનામું તો ઠીક, પેલા મહાશય અને એ યુવતી બંને ક્યાં રહે છે, કેટલા વખતથી એકબીજાના સંપર્કમાં છે, પાછલા થોડા દિવસો કે મહિનામાં કેટલી વાર, કેટલા વાગ્યે પેલા મહાશય યુવતીના ઘરે ગયા છે, બંને એકબીજા સાથે સોશિયલ મીડિયા પર શું વાતચીત કરે છે અને ક્યા ફોટોગ્રાફ્સની આપ-લે કરે છે, ભાઇએ કઈ વેબસાઇટ પરથી કઈ ચીજ વસ્તુ ખરીદીને પેલી યુવતીને ભેટ મોકલી છે, એ માટે કઈ રીતે કેટલું પેમેન્ટ કર્યું છે વગેરે બધી જ વિગતો એ વ્યક્તિની પત્નીને આપી હોત – જો ચીનની પોલીસે ધાર્યું હોત તો.
અમદાવાદ પોલીસે પણ આવી આવડત કેળવી લીધી હોય તો તેની આપણને ખબર નથી!