છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે – સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ.
અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેનની વાતો સાંભળી હતી – રીલાયન્સના ધીરુભાઈ અંબાણી, નિરમાના કરસનભાઈ પટેલ કે ટોરેન્ટ ગ્રૂપના યુ. એન. મહેતા જેવા – એ બધાએ પણ સાવ નાના પાયે પોતપોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને વર્ષોની મહેનત પછી તેઓ આખી દુનિયાની નજરમાં આવે એવી ઊંચાઈએ પહોંચ્યા હતા.
આ સૌ એવા લોકો છે જેમણે આંબા વાવ્યા અને એના જતન માટે વર્ષો સુધી જાત ઘસી નાખી. એમની મહેનત ઊગી નીકળી ખરી, પણ એનાં ખરાં ફળ એમના પછીની પેઢીને મળ્યાં, જેમણે એ સફળતાને પોતાની મહેનતથી વધુ વિસ્તારી.
એમની તુલનામાં ફ્લિપકાર્ટના બંસલ બંધુઓ, ઓયો રૂમ્સના રીતેશ અગરવાલ કે પેટીએમના વિજય શેખર શમર્નિી વ્યક્તિગત કમાણી અને એમની કંપનીઓનાં ટર્નઓવરના આંકડા સાંભળીએ તો દિમાગ ચકરાવે ચઢી જાય. આ બધાએ સાવ નાના પાયે બિઝનેસ વિકસાવ્યો, પણ જોતજોતામાં કરોડોમાં રમતા થઈ ગયા!
મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા અને કોલેજ અડધેથી છોડી દેનારા રીતેશ અગરવાલનું નામ ૨૧ વર્ષની ઉંમરે તો ભારતના ટોચના ધનપતિની યાદીમાં ઉમેરાઈ ગયું.
આ બધાની આવી અત્યંત ઝડપી અને અસાધારણ પ્રગતિના મૂળમાં એ જ શબ્દની કમાલ છે સ્ટાર્ટ-અપ! એવી તે કેવી તાકાત છે આ સ્ટાર્ટ-અપમાં અને એ સામાન્ય બિઝનેસથી અલગ કેવી રીતે છે? આવો તપાસીએ.