જો તમે હજી પણ જીમેઇલનો પીસી અને સ્માર્ટફોન બંનેમાં ખાસ્સો ઉપયોગ કરતા હો, તો તેમાં સર્ચ કરવાની અને મેઇલ્સ મેનેજ કરવાની કેટલીક રીતો જાણી લેવા જેવી છે.
વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની આંધીમાં ઈ-મેઇલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. અલબત્ત, તમારો હજી ઈ-મેઇલ સાથે કેવોક પનારો છે તેનો બધો આધાર આજની નવી સ્માર્ટ ટેક્નોલોજીનો તમે કેટલો ઉપયોગ કરો છો તેના પર છે.
જો તમે ફક્ત યૂઝર હશો તો સ્માર્ટફોનમાં વોટ્સએપ, યુટ્યૂબ વગેરેથી તમારું કામ ચાલી જતું હશે, પણ જો તમે સીરિયસ યૂઝર હશો તો હજી પણ તમારે જીમેઇલ જેવા ઈ-મેઇલ પ્રોગ્રામની ખાસ્સી જરૂર પડતી હશે! એમાંય જો સ્માર્ટ યૂઝર હશો તો તો પીસી અને સ્માર્ટફોન બંનેમાં તમે જીમેઇલનો કસ કાઢતા હશો!
જો તમે આ કેટેગરીમાં આવતા હશો તો કદાચ જીમેઇલના નવા અવતાર સમાન ઇનબોક્સનો પણ ઉપયોગ કરી જોયો હશે. જીમેઇલમાં ધરમૂળથી ફેરફાર લાવતી આ સર્વિસ વિશે આણે જાન્યુઆરી ૨૦૧૫માં વિગતવાર વાત કરી ગયા છીએ. ઈ-મેઇલને બિલકુલ નવું સ્વરૂપ આપવાનો ગૂગલનો એ પ્રયાસ ઘણાં સ્માર્ટ ફીચર્સ હોવા છતાં ખાસ સફળ થયો નથી. મુખ્ય કારણ એ છે કે આ સર્વિસ જીમેઇલથી એટલી બધી જુદી છે કે તેની આદત પડવી મુશ્કેલ છે.
તેની સરખામણીમાં, આપણા જૂના ને જાણીતા જીમેઇલમાં પણ પીસી અને સ્માર્ટફોનની એપ, બંને વર્ઝનમાં – એવી ઘણી ખૂબીઓ છે, જેનો આપણે પૂરતો ઉપયોગ કરતા નથી.
જેમ કે સર્ચ ઓપરેટર્સનો ઉપયોગ. ગૂગલ સર્ચમાં આપણે વિવિધ ઓપરેટર્સ અજમાવીને વધુ ધારદાર પરિણામો મેળવી શકીએ છીએ એ જ રીતે, જીમેઇલના સર્ચ બોક્સમાં સર્ચ ઓપરેટર્સથી ધાર્યાં કામ કાઢી શકીએ છીએ.
સામાન્ય રીતે ઓફિસમાં માઇક્રોસોફ્ટ આઉટલૂક (એ પણ જોરદાર રીતે ફીચર-રીચ પ્રોગ્રામ!)નો ઉપયોગ કરતા લોકોને જીમેઇલમાં ઘણું ખૂટતું હોય એવું લાગતું હોય છે. જેમ કે આપણે જે મેઇલ્સ હજી વાંચ્યા ન હોય એ બધા અનરેડ મેસેજીસને ફિલ્ટર કરવાની આઉટલૂકમાં સરસ સુવિધા છે, પણ જીમેઇલમાં એવું કોઈ બટન નથી. આઉટલૂક અને જીમેઇલ બંનેમાં આવા ઘણા દેખીતા ફેરફાર આપણને લાગે, પણ જીમેઇલમાં જે કંઈક ખૂટતું લાગે છે એ બધું જ આ સર્ચ ઓપરેટર્સ પૂરું કરી આપે છે.
જાણી લો જીમેઇલમાંના આવા સર્ચ ઓપરેટર્સ અને બીજી કેટલીક ખૂબીઓ, જેનો તમે સ્માર્ટફોનની એપ અને પીસી લગભગ બંનેમાં ઉપયોગ કરી શકો છો.
આગળ શું વાંચશો?
- સ્માર્ટફોનમાં જીમેઇલ એપની આ ટ્રિક્સ પણ જાણી લો…