સાંસદોની કામગીરીના લેખા-જોખા

વિદેશોમાં વિવિધ પ્રસાર માધ્યમો લોકપ્રતિનિધિઓની કામગીરી પર બાજનજર રાખતાં હોય છે, હવે ભારતમાં પણ આપણે ચૂંટેલા લોકોને મદદરૂપ થવા તથા તેમની કામગીરીની લોકોને વિગતવાર માહિતી આપવાના પ્રયાસો વિસ્તરી રહ્યા છે.

આ મહિનાની 26મી તારીખે આપણે જેની રજાનો આનંદ માણીશું, એ ગણતંત્ર દિવસની ઉજવણી તો સાર્થક થાય,  જો આપણે જેમને મત આપી ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ, તેઓ સંસદમાં પહોંચીને કેવીક કામગીરી કરે છે તેના પર બાજનજર રાખીએ.

સંસદસભ્યો કે ધારાસભ્યો, એટલે કે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકશાહીનો પાયો છે અને તેઓ દેશ કે રાજ્ય અને નાગરિક માટે શું કરી રહ્યા છે એ જાણવાનો દરેક જાગૃત નાગરિકનો અધિકાર અને ફરજ બંને છે.

અખબારો કે અન્ય માધ્યમો આપણને સંસદમાં ચાલતી કે ન ચાલતી કામગીરી વિશે માહિતગાર કરતાં હોય છે, પરંતુ દરેક સાંસદની વ્યક્તિગત કામગીરીનું સચોટ વિશ્લેષણ પણ હવે શક્ય છે. આ કામમાં http://www.prsindia.org/ નામની સાઇટ આપણને મદદરૂપ થઈ શકે છે.

પીઆરએસ લેજિસ્લેટિવ રીસર્ચ (પીઆરએસ) નામની આ સ્વતંત્ર સંસ્થા ભારતની લોકશાહીને મજબૂત બનાવવાના ઉદ્દેશથી, તમામ પક્ષના અને ક્ષેત્રોના સંસદસભ્યો અને ધારાસભ્યોને મદદરૂપ થાય છે અને તેમની પોતાની કામગીરી વિશે વિવિધ પ્રકારનો ડેટા અને અત્યંત વિગતવાર એનાલિસિસ નાગરિકોને પૂરાં પાડે છે.

શરૂઆતમાં પીઆરએસની પ્રવૃત્તિઓને ફોર્ડ ફાઉન્ડેશન અને ગૂગલ.ઓર્ગનો ટેકો મળ્યો હતો, હાલમાં તે વિવિધ ભારતીય સંસ્થાઓ અને જાગૃત નાગરિકોના ટેકાથી ચાલે છે.

આ સંસ્થાએ, ભારતના તમામ સંસદસભ્યોને આવરી લેતો એક નક્શો તૈયાર કર્યો છે. http://www.prsindia.org/mptrackmap/index.html#/પેજ પર જતાં, વર્તમાન સંસદમાં ભારતના કયા મતવિસ્તારમાંથી કયા પક્ષના સંસદસભ્ય ચૂંટાયા છે તે ભારતના નક્શા પર જોઈ શકાય છે. અહીં પક્ષવાર સ્થિતિ જોવી હોય તો મેપ પરથી માહિતીને ફિલ્ટર કરવાની સગવડ પણ છે.

મેશઅપ્સ વિશે હવે તમે જાણો જ છો – વિવિધ પ્રકારની માહિતીને એકમેક સાંકળીના રજૂ કરતા મેશઅપ્સ મેપ્સ પર ખાસ વધુ ઉપયોગી થાય છે. ભારતના સાંસદોની માહિતી ભારતના નક્શા પર રજૂ કરતું આ પણ એક પ્રકારનું મેશઅપ જ છે.

અહીં આપણા વિસ્તારના સંસદસભ્યને શોધવાની સગવડ છે, જેમ કે સેટેલાઇટ, અમદાવાદ લખીને સર્ચ કરતાં, આ મતવિસ્તારના ભાગ પર ત્યાંના સાંસદની તસવીર અને પ્રાથમિક વિગતો જોવા મળે છે.

ખરો ચમત્કાર, વધુ માહિતીની લિંક પર ક્લિક કરતાં થાય છે. ક્લિક કરતાં જે પેજ ખૂલે છે તેમાં જે તે સંસદસભ્યનો પરિચય, તેમનો અભ્યાસ, સંસદમાં તેમનો અનુભવ, સંસદમાં વિવિધ સત્રો દરમિયાન તેમની હાજરીની વિગતો જોવા મળે છે.

એટલું જ નહીં, આપણે પસંદ કરેલા સંસદસભ્યે, દેશના અન્ય તમામ સંસદસભ્યોની સરેરાશ અને તેમના રાજ્યના સંસદસભ્યોની સરેરાશની સરખામણીમાં કેટલો સમય સંસદમાં હાજરી આપી છે, કેટલી ચર્ચાઓમાં ભાગ લીધો છે, કઈ કઈ ચર્ચાઓમાં ભાગ લીધો છે એ બધું જ આ પેજ પર જોઈ શકાય છે. સંસદીય કાર્યવાહીઓના અભ્યાસુઓ સંસદમાં રજૂ થયેલા વિવિધ ખરડાઓ અને તેમાં જે તે સાંસદની સક્રિયતા વિશે અહીંથી વધુ માહિતી મેળવી શકે છે.

રાજકારણ નહીં, પણ લોકશાહીમાં જેમને ઊંડો રસ હોય તેમને આ વેબસાઇટ સંસદીય બાબતોની તલસ્પર્શી માહિતી આપે છે. સંસદસભ્યોનું વયજૂથની રીતે, અભ્યાસ કે વ્યવસાયની રીતે વર્ગીકરણ દર્શાવતા ચાર્ટ પણ અહીં જોવા મળે છે.

આપણા જેવા સરેરાશ મતદારે પણ એકવાર આ સાઇટ પર જઈ, પોતાના મતવિસ્તારની કામગીરી તપાસવા જેવી છે, જેથી આવતી ચૂંટણીમાં શું કરવું તે નક્કી કરી શકાય!

અહીં અમદાવાદના સાંસદ ડો. કિરિટભાઈ સોલંકીની સંસદમાં કામગીરીના ચાર્ટ જોઈ શકાય છે. પહેલો ચાર્ટ સંસદમાં હાજરી, બીજો ચાર્ટ ચર્ચાઓમાં ભાગીદારી, ત્રીજો ચાર્ટ આ સાંસદે પૂછેલા પ્રશ્નો અને ત્રીજો ચાર્ટ, એ સાંસદે વ્યક્તિગત રીતે સૂચવેલા ખરડા દર્શાવે છે. દરેક ચાર્ટમાં પહેલો બાર આપણે પસંદ કરેલા સાંસદની કામગીરી દર્શાવે છે, જ્યારે પછીનો બાર અન્ય તમામ સાંસદોની સરેરાશ અને ત્રીજો બાર જે તે પસંદ કરેલા સાંસદના રાજ્યના સાંસદોની સરેરાશ બતાવે છે. વડા પ્રધાન કે કેન્દ્રિય પ્રધાનો સંબંધિત આવી માહિતી અહીં જોવા મળતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here