આગલા લેખમાં, પોકેમોન ગો ગેમ કેવી રીતે રમાય તેના વર્ણનમાં આપણે જાણ્યું તેમ, આ ગેમ બે સ્તરે ચાલે છે – એક સ્માર્ટફોનમાંની એપમાં અને બીજી વાસ્તવિક જગતમાં. એપમાં નક્શા પર જ્યાં પોકેમોન દેખાય ત્યાં ખરેખર પહોંચીને આપણે તેને પકડવો પડે. પોકેમોનને પકડતી વખતે જો આપણા ફોનનો કેમેરા તેની સામે ધરીએ તો અસલી બગીચામાંના બાંકડા પર પોકેમોન બેઠો હોય એવો ફોટો પણ આપણે પાડી શકીએ (અને પછી સોશિયલ મીડિયા પર શેર કરી શકીએ!).
અલબત્ત, ઓગમેન્ટેડ રીયાલિટી આથી ઘણી વધુ વ્યાપક શક્યતાઓ ધરાવતો વિષય છે.
સાવ સાદો, શાબ્દિક અર્થ જોઈએ તો ટુ ઓગમેન્ટ એટલે કોઈ પણ બાબતમાં કંઈક નવો ઉમેરો કરવો. આપણી આસપાસના વાસ્તવિક જગતમાં જે ખૂટતી બાબતો અલગ અલગ સ્વરૂપે ઉમેરે તે ઓગમેન્ટેડ રીયાલિટી ટેક્નોલોજી. ઓગમેન્ટેડ રીયાલિટી આપણા વાસ્તવિક જગતના વાતાવરણમાં કમ્પ્યુટર દ્વારા પેદા થતો ઓડિયો, વીડિયો, ગ્રાફિક્સ કે જીપીએસ ડેટા ઉમેરીને એક નવો જ અનુભવ સર્જવાની કરામત છે.
આપણે કોઈ સ્થળે હોઈએ ત્યારે તેના સંદર્ભમાં આપણે જોઈતી માહિતી ઓગમેન્ટેડ રીયાલિટીથી કેવી રીતે મળી એ દર્શાવતી ઉપર આપેલી અમદાવાદની તસવીર અને તેમાંની વિગતો કાલ્પનિક છે, પણ આ પ્રકારનો ડેટા સ્માર્ટફોનમાં તો લગભગ આવી જ ગયો છે અને ગૂગલ ગ્લાસથી તે આપણી નજર સામે પણ પહોંચી ગયો હતો.
કલ્પના કરો કે કોઈ બહુમાળી ઇમારતમાં આગ લાગી હોય અને તેમાં ફસાયેલી વ્યક્તિઓને બચાવવા માટે અગ્નિશમન દળના જવાનો કામે લાગ્યા હોય, તેમને ઇમારતમાં કયા માળે, કયા રૂમમાં કોઈ વ્યક્તિ ફસાયેલી છે તેનું એક્ઝેક્ટ લોકેશન જાણવા મળે તો? એ વ્યક્તિ સુધી પહોંચવાના રસ્તે કયા ભાગમાં આગની કેટલી તીવ્રતા છે એની પણ એમને જાણકારી મળી જાય તો?
કોઈ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બચાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમ આવી ગઈ હોય અને તેઓ એમ્બ્યુલન્સની બારીના કાચ પર ક્લિક કરી, તેને કમ્પ્યુટરના સ્ક્રીનમાં ફેરવી નાખે અને ઇજાગ્રસ્ત વ્યક્તિની ક્લાઉડમાં સ્ટોર થયેલી મેડિકલ હિસ્ટ્રી જેમ કે તેનું બ્લડ ગ્રૂપ, એલર્જી, ડાયાબિટીસ, કઈ દવાનું રીએક્શન આવે છે, અગાઉની કોઈ ગંભીર બિમારી વગેરે બધી જ માહિતી આંખના પલકારમાં એમ્બ્યુલન્સની બારીના કાચ પર જ જોવા મળી જાય, તો ઝડપી અને યોગ્ય સારવારથી તે વ્યક્તિ બચી જવાની શક્યતા કેટલી વધી જાય? તમને એવો સવાલ થયોને કે આવો ડેટા તો સ્માર્ટફોનમાં પણ જોઈ શકાય, એમાં બારીના કાચ પર પ્રોજેક્શનની શી જરૂર છે?
તમારો સવાલ કદાચ સાચો છે, પણ હવે આ સ્થિતિ વિચારી જુઓ – અત્યારે આપણે કોઈ જગ્યાએ પહોંચવું હોય તો કારની મીડિયા સિસ્ટમમાં કે સ્માર્ટફોનના સ્ક્રીન પર નેવિગેશનની મદદ લઈ શકીએ છીએ, પણ તેના માટે ડ્રાઇવ કરતી વખતે રસ્તા પરથી નજર હટાવવી પડે. તેના બદલે, સામે દેખાતા રસ્તા પર જ ક્યારે કઈ તરફ વળવાનું છે તેના એરો જોવા મળે અને સાથોસાથ વોઇસ-ઇન્સ્ટ્રક્શન સાંભળવા મળે તો?
મોટા ઉદ્યોગોમાં મોટાં મશીનોમાં વિવિધ પાર્ટ્સ કઈ રીતે કામ કરી રહ્યા છે એ મશીન ખોલ્યા વિના જ જાણી શકાય તો?
આ ઓગમેન્ટેડ રીયાલિટી છે અને આ પ્રકારનો જ તેનો યોગ્ય ઉપયોગ છે, જેને સાકાર કરવા માટે અનેક જુદી જુદી કંપની દિવસરાત એક કરી રહી છે. ટીવીની વિવિધ જાહેરાતોમાં કે એવેન્જર્સ જેવી સિરિયલ્સ અને મૂવીઝમાં ઘણી વાર આપણે ડોક્ટર્સ કે અને કેરેક્ટર્સને હવામાં જ મોનિટરની જેમ ડેટા એક્સેસ કરતા જોઈએ છે એ ફક્ત કમ્પ્યુટર ગ્રાફિક્સની કમાલ છે, પણ ઓગમેન્ટેડ રીયાલિટી તેને ખરેખર સાકાર કરી શકે છે.
પોકેમોન ગો જેવી ગેમમાં આ ટેક્નોલોજીનો લગભગ કોઈ જ ઉપયોગ નથી, પણ તેનાથી આ ટેક્નોલોજી ચર્ચામાં આવી ગઈ એ બહુ મોટું કામ થયું કારણ કે હવે આ દિશામાં કામ કરતી કંપનીઓને ખૂટતાં સંસાધનો, નાણાં ભંડોળ વગેરે ફટાફટ મળવા લાગશે!
આગળ શું વાંચશો?
- આ ટેક્નોલોજી કેટલીક આગળ વધી છે?
- સ્માર્ટફોનમાં ઓગમેન્ટેડ રીયાલિટીનો અનુભવ કરાવતી કેટલીક એપ્સ
- કેટલાક જોવા જેવા વીડિયો
- વર્ચ્યુઅલ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રીયાલિટીનો તફાવત