ક્લાઉડમાં એપ્સ સાચવતો સ્માર્ટફોન

‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, “સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની કલ્પનાને – જરા અલગ રીતે – સાકાર કરતો એક સ્માર્ટફોન આવી રહ્યો છે (તમે આ વાંચતા હશો ત્યારે કદાચ એ ભારતમાં લોન્ચ પણ થઈ ગયો હશે).

‘નેક્સ્ટબિટ રોબિન’ નામના, આપણા માટે તદ્દન અજાણી કંપનીના આ સ્માર્ટફોનની વિશેષતા એ છે કે તે ફોનમાં ૩૨ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ ઉપરાંત ૧૦૦ જીબીની ક્લાઉડ સ્ટોરેજ ફ્રી આપે છે.

જો તમે થોડો જૂનો, ઓછી સ્પેસવાળો સ્માર્ટફોન વાપરતા હશો તો તમારો અનુભવ હશે કે થોડા સમય પછી વધુ એપ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો એટલે ‘ઇનસફિશિયન્ટ મેમરી’ મેસેજનો સામનો કરવો પડે. પછી આપણે નકામી લાગતી એપ્સ શોધીને અનઇન્સ્ટોલ કરવાની કસરત કરવી પડે.

ફોનનો આઇડિયા સિમ્પલ છે. આપણે તેમાં જાતભાતની એપ ઇન્સ્ટોલ કરતા રહીએ અને તેની સ્ટોરેજ અમુક હદ સુધી ભરાઈ જાય એટલે આપોઆપ ફોનની સિસ્ટમ આપણે અમુક સમયથી જે એપ્સનો ઉપયોગ ન કર્યો હોય તેને આપણા મફત ક્લાઉડ સ્ટોરેજમાં મોકલી આપે છે. આ કામ માત્ર વાઇ-ફાઇ કનેક્શન હોય ત્યારે થાય છે, આપણો મહામૂલો ડેટા પ્લાન ખર્ચ થતો નથી.

મહત્વની વાત એ છે કે ક્લાઉડમાં એપની એપીકે ફાઇલ (એપ ચલાવવા જરૂરી ફાઇલ) જ મોકલવામાં આવે છે અને ફોનમાંથી તેને પૂરેપૂરી ડિલીટ કરીને તેટલી સ્પેસ ખાલી કરી દેવામાં આવે છે. એ એપનો આપણે અગાઉ ઉપયોગ કર્યો હોય અને તેમાં આપણો ડેટા જનરેટ થયો હોય તો તે ફોનમાં સચવાયેલો રહે છે. પછી જ્યારે એ એપની ફરી જરૂર પડે ત્યારે આપણે તેને ક્લાઉડમાંથી ફરી ફોનમાં લાવીને ઉપયોગ આગળ ધપાવી શકીએ છીએ.

એક રીતે જુઓ તો આપણે એપની જરૂર ન હોય ત્યારે તેને અનઇન્સ્ટોલ કરી દઈએ અને જરૂર પડે ત્યારે ફરી ઇન્સ્ટોલ કરી લઈએ, એના જેવું જ એ થયું. ફેર એટલો કે જો એપ અનઇન્સ્ટોલ કરીએ તો સાથે તેનો બધો ડેટા પણ ચાલ્યો જાય, નેક્સ્ટબિટ રોબિનના કિસ્સામાં એવું થતું નથી.

આ ફોનમાં, જે એપ વિના ફોનને ચાલે તેમ ન હોય એવી એપ ક્લાઉડમાં જતી નથી અને આપણે ધારીએ તે એપ ફોનમાં જ રહે એવું સેટિંગ પણ કરી શકાય છે.

આ લખાય છે ત્યારે ફોનની ભારતમાં કિંમત જાહેર થઈ નથી. ભારતમાં વાઇ-ફાઇ કનેક્શન સૌને સરળતાથી ઉપલબ્ધ નથી એ જોતાં બધાને આ ફોન અત્યારે કામનો નથી. તમારાં બાળકો સ્માર્ટફોનમાં મોટી મોટી ગેમ્સ ડાઉનલોડ કરતાં હોય અને એમનો ગેમમાંનો પ્રોગ્રેસ ચાલ્યો જવાની બીકે એ ગેમને અનઇન્સ્ટોલ કરવા ન દેતાં હોય, તો જ આ ફોન ઉપયોગી થાય તેમ છે!

અલબત્ત, સ્માર્ટફોનનું ભાવિ ડેવલપમેન્ટ કઈ દિશામાં રહેશે તેનો આ ફોનથી અંદાજ આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here