આ લેખ નવેમ્બર ૧૮, ૨૦૨૧ સુધી લોગ-ઇન વિના વાંચો.
ધારો કે તમે અમેરિકા ફરવા ગયા છો અને ન્યૂ યોર્ક શહેરમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની મુલાકાત લઈ રહ્યા છો.
આ ગગનચૂંબી ઇમારતના 102મા માળે આવેલા ઓબ્ઝર્વેશન ડેક પરથી ચોતરફ વિસ્તરેલા શહેરની સ્કાયલાઇન ન જુઓ તો ન્યૂ યોર્કની મુલાકાત અધૂરી ગણાય છે. ઇમારતની ટોચે આવેલી અગાશીએથી ચારેતરફ નજર દોડાવીને જુઓ અથવા થોડા ડોલર કે સેન્ટ ચૂકવીને પેલા બાઇનોક્યુલરમાંથી જુઓ તો ન્યૂ યોર્ક શહેર કેવું દેખાય?
આ કલ્પના જેટલી રોમાંચક છે એના કરતાં વધુ મજાની હકીકત એ છે એ અનુભવ કરવા માટે આપણે ન્યૂ યોર્ક સુધી જવાની જરૂર નથી.
એલેક્ઝાન્ડ્ર રેઝનિક નામના એક ફોટોગ્રાફરે આ ઇમારતની અગાશીએથી દેખાતા ન્યૂ યોર્ક શહેરનો 45 ગિગાપિક્સેલનો મહાકાય, 360 ડિગ્રી પેનોરમા તૈયાર કર્યો છે. સરખામણી માટે જાણવું જરૂરી છે કે આપણા સરેરાશ સ્માર્ટફોનના કેમેરામાં 8 કે 13 મેગાપિક્સેલના કેમેરા રહેતા હતા (હવે વધી વધીને વાત ૧૦૮ મેગાપિક્સેલના કેમેરાએ પહોંચી છે) અને 45 ગિગાપિક્સેલ એટલે 45,000 મેગાપિક્સેલ!
આ પેનોરમાને એરો-કીથી ફેરવી જોશો અને ઝૂમ કરશો ત્યારે તેની વિશાળતા સમજાશે.
ફોટોગ્રાફર રેઝનિક કહે છે કે “વિશ્વમાં બહુ ઓછાં શહેરો એવાં છે, જેની આગવી ઓળખ હોય, જેના કેન્દ્રમાં ગગનચૂંબી ઇમારત હોય અને તેની અગાશીએથી, બીજી ઇમારતો કે કાચની બારીના પણ અવરોધ વિના ફોટોગ્રાફી કરવાની સગવડ પણ હોય. આ બધું જ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં મળી રહે છે.’’
આમ જુઓ તો રેઝનિકે તૈયાર કરેલો 45 ગિગાપિક્સેલનો પેનોરમા દુનિયાનો સૌથી વિશાળ પેનોરમા નથી, (તો કયો છે, એવો સવાલ થયો? જવાબ સાથે દુનિયાનો સૌથી વિશાળ પેનોરમા જુઓ આ લેખમાં!) પણ બીજી ઘણી રીતે તેમનો પેનોરમા નોંધપાત્ર છે.
ખાસ તો એટલા માટે તેમણે કોઈ ટ્રાઇપોડની મદદ વિના તમામ તસવીરો લીધી હતી. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેક પર ટ્રાઇપોડ લઈ જવાની મનાઈ છે એટલે રેઝનિકે પોતાના એફ/2.8 લેન્સ સાથેના કેનન કંપનીના ફાઇવડીએસઆર કેમેરાને હાથમાં જ પકડીને તસવીરો લેવાનું બીડું ઝડપ્યું. રેઝનિકને ફોટોગ્રાફીને 25થી વધુ વર્ષનો અનુભવ છે અને તેમણે 2009થી પેનોરમિક ફોટોગ્રાફી શરૂ કરી છે. આ અગાઉ તેમણે પેરિસના એફિલ ટાવર પરથી પણ ટ્રાઇપોડ વિના ફોટોગ્રાફી કરીને પેનોરમા તૈયાર કર્યા હતા.
તેમણે ત્રણ અલગ અલગ વાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની મુલાકાત લીધી અને 4000 જેટલા ફોટોગ્રાફ લીધા. આમાંથી 1200 જેટલા ફોટોગ્રાફ પસંદ કરીને, એ તમામને એકમેક સાથે જોડીને વિશાળ પેનોરમા તૈયાર કરવાનું શરૂ કર્યું.
સામાન્ય કમ્પ્યુટર પર તો આ કામ થઈ જ ન શકે એટલે તેમણે 4000 ડોલર (આશરે પોણા ત્રણ લાખ રૂપિયા)ની કિંમતનું કમ્પ્યુટર કામે લગાડ્યું. રેઝનિક કહે છે કે જ્યારે એક એક ફાઇલ 100 કે 200 જીબીની હોય ત્યારે ગમે તેટલું પાવરફૂલ કમ્પ્યુટર પણ ધીમું પડે. આવી એક ફાઇલ ખોલતાં પંદરેક મિનિટ જેટલો સમય લાગે અને તેમાં કામ કર્યા પછી સેવ કરવા માટે બીજો અડધો કલાક જોઈએ!
મહિનાઓની મહેનતને અંતે તેમણે જે પેનોરમા તૈયાર કર્યો, તેની જો 150 ડીપીઆઇ (ડોટ પર ઇંચ)ના રેઝોલ્યુશન સાથે પ્રિન્ટ કાઢવામાં આવે તો એ ફૂટબોલના મેદાન કરતાં પણ મોટી હોય. આવા વિશાળ પેનોરમાને આપણા જેવા દુનિયાના બીજા લોકો સાથે શેર કેવી રીતે કરવો એ બીજો પ્રશ્ન બને!
જોકે રેઝનિક માટે એ ચિંતાનો વિષય નહોતો કેમ કે તેમણે રાઉન્ડમી નામની એક વેબસર્વિસની મદદથી જ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
શું છે આ રાઉન્ડમી?
રાઉન્ડમી (roundme.com) એ 360 ડીગ્રીના પેનોરમા કે વર્ચ્યુઅલ રીયાલિટી કન્ટેન્ટ તૈયાર કરતા પ્રોફેશનલ્સને તેમનું કામ સૌ સાથે શેર કરવાની સગવડ આપતી એક વેબસર્વિસ છે. આ સાઇટ પર જઈને તમે દુનિયાના અનેક પેનોરમા પ્રોફેશનલ્સે તૈયાર કરેલ દુનિયાનાં વિવિધ સ્થળોના પેનોરમા અને વર્ચ્ચુઅલ એક્સ્પિરીયન્સ માણી શકશો.
સાઇટના હોમ પેજ પરથી હોમપેજ પર ‘એક્સ્પ્લોર’ પર ક્લિક કરીને અથવા ‘વર્લ્ડ મેપ’ પર ક્લિક કરીને દુનિયાભરનાં વિવિધ સ્થળોને બિલકુલ અનોખી રીતે માણી શકશો.
રાઉન્ડમી પર તમે ક્લાસિક કાર્સના ઇન્ટિરીયરનું કલેક્શન પણ જોઈ શકો છો.
વાચકમિત્રો માટે ચેલેન્જ : આ લેખમાં જે પેનોરમાની વાત કરી છે, તેમાં, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી લગભગ ૧૩ કિમી દૂર સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી અને તેની પાસે ફરકતો અમેરિકન ધ્વજ શોધી બતાવો અને તેનો સ્ક્રીનશોટ support@cybersafar.com પર મોકલી આપો!
પેનોરમિક ફોટોગ્રાફી વિશે ‘સાયબરસફર’ના અન્ય લેખોમાં વાંચોઃ
નજર ભરીને માણો વિશ્વનો સૌથી વિશાળ પેનોરમા
પેનોરમિક ફોટોગ્રાફી કેવી રીતે કરશો?
અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ
પેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક
‘સાયબરસફર’ના અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો