સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભુજ (કચ્છ) 

આયુષભાઈએ પોતાનો સવાલ વિસ્તારથી પૂછતાં કહ્યું છે કે મોટા ભાગના સ્માર્ટફોનમાં સ્ટોરેજની મર્યાદા હોય છે અને આપણે કોઈ નવી એપ ડાઉનલોડ કરવા જઈએ ત્યારે ‘ઇનસફિશિયન્ટ સ્ટોરેજ’ અપૂરતી સ્ટોરેજના અણગમતા મેસેજનો સામનો કરવો પડે છે. આના ઉપાય તરીકે, એમને વિચાર આવ્યો કે એપને ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાને બદલે ક્લાઉડમાં ગૂગલ ડ્રાઇવ કે ડ્રોપબોક્સમાં ઇન્સ્ટોલ કરી ત્યાંથી તેનો લાભ ન લઈ શકાય? પછી ભલે એ માટે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ રાખવું પડે, અપૂરતી સ્ટોરેજની કોઈ સમસ્યા તો ન રહે!

આવું શક્ય છે કે નહીં અને નથી તો શા માટે નથી, એ સમજતાં પહેલાં જેમના માટે ‘ક્લાઉડ સ્ટોરેજ’ શબ્દ જ ગૂંચવનારો છે એમને માટે થોડી સ્પષ્ટતા કરી લઈએ.

ગૂગલ ડ્રાઇવ, ડ્રોપબોક્સ કે માઇક્રોસોફ્ટ વન ડ્રાઇવ વગેરે એવી સર્વિસ છે જે ઇન્ટરનેટ પર આપણને અમુક સ્પેસ મફતમાં અથવા ભાડે આપે છે, આપણે તેમાં જુદા જુદા ઘણા પ્રકારની ફાઇલ અપલોડ કરી શકીએ છીએ અને પછી ગમે ત્યારે, ગમે તે સાધનમાંથી ઇન્ટરનેટ કનેક્શન દ્વારા એ ફાઇલ એક્સેસ કરી શકીએ છીએ.

હવે ફરી મૂળ સવાલ પર આવીએ. એપને ક્લાઉડ સ્ટોરેજમાં રાખવાની વાત તો ભૂલી જાવ, સંખ્યાબંધ એપ એવી હોય છે જેને આપણે એસડી કાર્ડમાં પણ મૂવ કરી શકતા નથી! એવું કેમ એ સમજવા માટે આપણે વિવિધ પ્રકારની એપ્સની ખાસિયતો સમજવી પડે.

સાથોસાથ એ પણ સમજવું પડે કે એપ્સને કલાઉડમાં સ્ટોર કરીને ઉપયોગમાં લેવી એ કલ્પના નથી, હકીકત છે અને આપણે એવી એપ્સનો ઉપયોગ પણ કરીએ છીએ! ગૂંચવાયા? જરા વિસ્તારથી સમજીએ.

સામાન્ય રીતે, એપ્સ ત્રણ પ્રકારની હોય છે : નેટિવ એપ્સ, વેબ એપ્સ અને હાઇબ્રિડ (એટલે કે નેટિવ અને વેબના મિશ્રણ જેવી). આ ત્રણેય પ્રકારની એપની જટિલ ટેકનોલોજીની ગૂંચવણ ઉકેલીને સરળ બનાવી દઈએ તો એમ કહી શકાય કે જે એપને આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરીને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ઉપયોગમાં લઈ શકીએ એ નેટિવ એપ કહી શકાય. આવી એપ, એન્ડ્રોઇડ કે આઇઓએસ જેવા ચોક્કસ પ્લેટફોર્મને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોય અને તે ફોનમાંની વિવિધ સુવિધાઓ જેમ કે કેમેરા, માઇક્રોફોન, કંપાસ, એક્સલેરોમીટર વગેરેનો લાભ લઈ શકાય એ રીતે ડિઝાઇન થઈ હોય છે. આવી એપ ઉપયોગમાં સૌથી વધુ ફાસ્ટ, સૌથી વધુ વિશ્વસનીય અને સૌથી વધુ સગવડભરી હોય છે. આવી એપ ઇન્ટરનેટ કનેક્શન બંધ હોય ત્યારે પણ આપણે તેને ઓપન કરી શકીએ અને તેની વિવિધ સગવડોનો લાભ લઈ શકીએ. ઇન્ટરનેટ કનેક્શન મળે ત્યારે આવી એપ વધુ ઉપયોગી બની જાય.

આવી એપ તૈયાર કરવી ખર્ચાળ છે અને એક જ એપ વિવિધ પ્લેટફોર્મ એટલે કે એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ વગેરે બધા પર ચાલે એવી બનાવવી હોય ત્યારે તો ઘણી વધુ ખર્ચાળ બની જાય.

જ્યારે વેબ એપ એટલે એવી એપ, જેને આપણે ઇન્સ્ટોલ કરવાની જરૂર જ હોતી નથી. બીજા શબ્દોમાં, આયુષભાઈની કલ્પનામાંની એપ, ફેર ફક્ત એટલો કે આવી એપ આપણા નહીં પણ જે તે કંપનીના ક્લાઉડ સ્ટોરેજ (બીજા શબ્દોમાં સર્વર)માં સ્ટોર થયેલી હોય છે અને આપણે ઇન્ટરનેટ કનેક્શન દ્વારા એ ‘એપ’ એક્સેસ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ. આવી એપ ગૂગલ ક્રોમ કે સફારી જેવા બ્રાઉઝરની અંદર ઓપન થાય છે.

આપણે કોઈ વેબસાઈટનું મોબાઇલ વર્ઝન જોઈએ તો એ એક રીતે એ વેબસાઇટની વેબ એપ છે. આવી એપ એક રીતે જોઈએ તો ઉપયોગી છે કારણ કે તે બનાવવામાં પ્રમાણમાં સહેલી છે, ઓછી ખર્ચાળ છે અને તે ઝાઝી કડાકૂટ વિના જુદા જુદા પ્રકારના પ્લેટફોર્મ પર ચલાવી શકાય છે. સામે પક્ષે તેમાં નુક્સાની એ છે કે ઇન્ટરનેટ કનેક્શન વિના આવી એપ ચાલી જ શકતી નથી અને સ્માર્ટફોનના પ્રોસેસર અને બીજી સુવિધાઓનો તે બિલકુલ લાભ લઈ શકતી નથી.

હાઇબ્રિડ એટલે કે નેટિવ અને વેબ બંનેના મિશ્રણ જેવી એપ વધુ ને વધુ લોકપ્રિય થઈ રહી છે. સામાન્ય રીતે એવું માની શકીએ કે હાઇબ્રિડ એપ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલી શકે છે અને નેટ કનેક્શન મળે ત્યારે અનેક સુવિધાઓ આપી શકે છે પરંતુ ટેકનિકલી, હાઇબ્રિડ એપ અને નેટિવ એપ વચ્ચે ઘણા બધા તફાવત હોય છે.

હવે તમે સમજી જ ગયા હશો કે વિવિધ પ્લેટફોર્મના એપ્સ સ્ટોરમાંથી આપણે જે એપ્સ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકીએ છીએ તે બધી નેટિવ કે હાઇબ્રિડ પ્રકારની હોય છે, જ્યારે વેબ એપ્સને ડાઉનલોડ કરવાની જરૂર ન હોવાથી તે એપ્સ સ્ટોરમાં હોતી નથી.

ઉપયોગીતા અને લોકપ્રિયતા બંને રીતે જોઈએ તો વેબ એપની સામે નેટિવ એપ જોરદાર રીતે વધુ લોકપ્રિય બની રહી છે.

હવે આગળ જેનો અછડતો ઉલ્લેખ કર્યો છે, એ સવાલનો જવાબ પણ જાણી લઈએ, કેટલીક એપને ફોનની ઇન્ટર્નલ મેમરીમાં જ કેમ સ્ટોર કરવી પડે છે, તેને એસડી કાર્ડમાં કેમ લઈ જઈ શકાતી નથી? દાખલા તરીકે, આપણે કોઈ ગેમ એપ ડાઉનલોડ કરી હોય તો તેને એસડી કાર્ડમાં લઈ જઈ શકાય છે, પણ મેપ્સ કે જીમેઇલ કે તેના જેવી બીજી ઘણી એપને એસડી કાર્ડમાં લઈ જઈ શકાતી નથી. હકીકતમાં, એપના ડેવલપર નક્કી કરી શકે છે કે તેમની એપને એસડી કાર્ડમાં લઈ જવાની છૂટ આપવી કે નહીં. આવું તેઓ એપની કામગીરીના આધારે નક્કી કરે છે.

જે એપને સતત બેકગ્રાઉન્ડ સિન્કિંગની જ‚રૂર પડતી હોય, જેમ કે વોટ્સએપ કે જીમેઈલ, તેને જો એસડી કાર્ડમાં લઈ જવામાં આવે અને આપણે કોઈ કારણસર એસડી કાર્ડ બહાર કાઢીએ તો એ એપનું ફોનની મેઇન સિસ્ટમ સાથેનું કનેક્શન તૂટી જાય અને તેનું આખું તંત્ર ખોરવાઈ જાય. એ રીતે ફોનમાંની સર્વિસીઝ, એલાર્મ, વિજેટ્સ, ઇનપૂટ મેથડ, એકાઉન્ટ વગેરે સુવિધાઓનો ઉપયોગ કરતી એપ્સ પણ એસડી કાર્ડમાં લઈ જઈ શકાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here