પર્સનલ કમ્પ્યુટરમાં આખી દુનિયા પર રાજ કરનારી માઇક્રોસોફ્ટ કંપની સ્માર્ટફોનની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે, પરંતુ આગામી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમથી તેની સ્થિતિ સુધરે તેવી શક્યતા છે
વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરનારા લોકોને એક ફરિયાદ હંમેશા હોય છે, તેમના ફોન માટે ઉપલબ્ધ એપ્સની સંખ્યા બહુ ઓછી છે! આ ફરિયાદ સાચી છે, અને ખરું પૂછો તો, સ્માર્ટફોનના માર્કેટમાં વિન્ડોઝ ફોનનો પ્રસાર મર્યાદિત રહ્યો છે તેનું આ પણ એક મોટું કારણ છે.
વાસ્તવમાં, વર્ષોથી પર્સનલ કમ્પ્યુટર ક્ષેત્રે માઇક્રોસોફ્ટનો જબરો દબદબો રહ્યો છે. કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ, તેમાંના ઓફિસ પ્રોગ્રામ્સ અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર આ ત્રણેય બાબતે માઇક્રોસોફ્ટે વર્ષો સુધી આખા જગત પર એકચક્રી શાસન કર્યું છે, પરંતુ દુનિયાનો સ્માર્ટફોન તરફનો ઝુકાવ સમયસર પારખવામાં આ કંપની નિષ્ફળ ગઈ. પરિણામે અત્યારે સ્માર્ટફોનના માર્કેટમાં લગભગ ૯૦ ટકા હિસ્સો ફક્ત એન્ડ્રોઇડ અને આઇઓએસનો છે. જો માઇક્રોસોફ્ટ કંપનીએ સમયસર મોબાઇલ માર્કેટ તરફ ધ્યાન આપ્યું હોત તો આખી દુનિયા માઇક્રોસોફ્ટનાં પ્રોગ્રામ્સની આદતી બની જ ચૂકી હતી. લોકો સ્વાભાવિક રીતે એ જ તરફ વળ્યા હોત, ખાસ કરીને મોટા બિઝનેસીઝ. તેના બદલે, સ્માર્ટફોનના આગમન પહેલાં, બિઝનેસની દુનિયામાં ટોપ એક્ઝિક્યુટિવ્સના ખિસ્સામાં બ્લેકબેરી ફોને પોતાનું સ્થાન જમાવી લીધું. વર્ષો વીત્યે એન્ડ્રોઇડ અને આઇઓએસની આંધીમાં બ્લેકબેરીએ પણ બિઝનેસ ક્લાસમાંનું પોતાનું એક્સક્લુઝિવ સ્થાન ગુમાવી દીધું.