જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. હોર્ડિંગ આપણે દૂરથી જોવાનાં હોય એટલે તેમાં પિક્ચરનું રેઝોલ્યુશન થોડું ઓછું હોય તો ચાલે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ એમાંની ડિટેઇલ્સ શાર્પ આવે અને તેના પિક્સેલ ફાટી ગયેલા ન લાગે.
હવે વિચારી જુઓ કે ૩૦૦ ડીપીઆઇના રેઝોલ્યુશન સાથે પ્રિન્ટ કરવાનો થાય તો આખા ફૂટબોલના મેદાન જેવડો પેપર જોઈએ, એ ફોટોગ્રાફની ડિજિટલ સાઇઝ કેટલી વિશાળ હશે અને એ ફોટોને કમ્પ્યુટરના સ્ક્રીન પર જોઈએ તો તેમાં કેટલી ઝીણવટભરી વિગતો જોઈ શકાય?
આ બંને સવાલના જવાબ મેળવવા આપણે જવું પડે આ વેબસાઇટ પર : http://www.in2white.com/
સૌથી વિશાળ પેનોરમાનો નવો વિશ્વવિક્રમ સર્જનાર આ ફોટોગ્રાફ ફિલિપ્પો બ્લેન્જિની નામના એક ઇટાલિયન ફોટોગ્રાફર અને તેમની પત્ની તથા અન્ય પ્રોફેશનલ્સની ટીમે તૈયાર કર્યો છે. ફિલિપ્પો મૂળ તો સિવિલ એન્જિનીયર છે અને છેલ્લાં પાંચ વર્ષથી, યુરોપના સૌથી મોટા પર્વત મોન્ટ બ્લાન્ક પરના એક રોપવે પ્રોજેક્ટમાં કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર તરીકે તેઓ કામ કરતા હતા. મોન્ટ બ્લાન્ક પર્વત પ્રત્યેનો લગાવ, ફોટોગ્રાફીનો બેહદ શોખ અને ટેક્નોલોજીમાં ઊંડો રસ, આ બધું ભેગું થયું. ફિલિપ્પો લખે છે કે તેમણે મોન્ટ બ્લાન્કની અનેક તસવીરો લીધી છે, પણ ક્યારેય આ વિશાળ પર્વતમાળાની ભવ્યતાને પૂરો ન્યાય આપ્યાનો સંતોષ થતો નહોતો. એક દિવસ, પત્ની એલેસાન્ડ્રા સાથે વાત કરતી વખતે ઝબકારો થયો, પોતાના પેશન, ટેક્નોલોજી અને ફોટોગ્રાફીનો સુમેળ કરીને આ પર્વતને સૌથી અનોખી અંજલી આપવી.
ફિલિપ્પો અને એલેસાન્ડ્રા કામે લાગ્યાં, વિશ્વભરમાંથી અલગ અલગ કંપનીઓ અને પ્રોફેશનલ્સની મદદ મેળવી અને તેમાંથી સર્જાયો આજની તારીખનો વિશ્વનો સૌથી વિશાળ પેનોરમા.