એવી કોઈ શાળા કે કોલેજની કલ્પના કરી જુઓ, જેમાં જઈને તમે જુદા જુદા અનેક વિષય પરના ત્રીસ હજારથી વધુ લેક્ચર્સ એટેન્ડ કરી શકો! અને વિષયની વિવિધતા પણ અપાર! એમ સમજો કે દુનિયાની સૌથી નામાંકિત યુનિવર્સિટીઓમાં તમે એક સાથે એડમિશન લઈ લીધું, એ પણ કોઈ પ્રવેશ પરીક્ષા આપ્યા વિના કે કોઈ ફી ભર્યા વિના!
વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો અને પ્રોફેશનલ્સ માટે આ વિરાટ જ્ઞાનખજાનાની વાત કરતાં પહેલાં, આવું કેવી રીતે શક્ય બને છે અને એ શા માટે મહત્વનું છે એ થોડું સમજી લઈએ.
વિશ્વઆખાના જ્ઞાનનું એકત્રીકરણ
ઇન્ટરનેટને આપણે સૌ માહિતીનો ખજાનો ગણીએ છીએ, પણ જ્યારે, જે તે સમયે આપણને જરૂરી માહિતી શોધવા બેસીએ ત્યારે અચૂકપણે નાકમાં દમ આવી જતો હોય છે.
કારણ સાદું છે, દુનિયાભરની માહિતી વિવિધ સ્વપે ઇન્ટરનેટ પર ખડકાઈ રહી છે અને તેનું પ્રમાણ એટલું વિરાટ અને ઘણે અંશે વેરવિખેર છે કે આપણે તેનો સહેલાઈથી યોગ્ય ઉપયોગ કરી શકતા નથી.
આ સવાલ ફક્ત આપણો નથી, અનેક લોકોનો છે અને પરિણામે તેના જુદા જુદા ઘણા ઉપાય પણ શોધવામાં આવી રહ્યા છે.
ઇન્ટરનેટ પરની વેરવિખેર માહિતીને શક્ય એટલી સુવ્યવસ્થિત કરવાના અને ‘એક્સેસિબલ’ જરૂર હોય ત્યારે તરત હાથવગી કરવાના મુખ્ય રસ્તાઓમાં, સર્ચ એન્જિન, આરએસએસ ફીડ, ડિસ્કવરી એન્ડ સોશિયલ રેકમન્ડેશન્સ, મેશઅપ્સ અને ક્ધટેન્ટ એગ્રીગેશન વગેરેનો સમાવેશ થાય છે.