વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે.
હમણાં આવેલી જુરાસિક વર્લ્ડ ફિલ્મ તમે જોઈ? જુરાસિક સીરિઝની આ ચોથી ફિલ્મ છે અને આ ફિલ્મના ડિરેક્ટર તો કોઈ બીજા છે, પહેલી ફિલ્મ જુરાસિક પાર્ક સ્ટીવન સ્પીલબર્ગે બનાવી હતી. સ્પીલબર્ગની ફિલ્મની યાદી જુઓ તો એક-એકથી ચઢે એવાં નામ જોવા મળે (અને રેન્જ કેવી? ઇન્ડિયાના જોન્સ, ઇટી, લિંકન અને જોઝ આ બધી એમની!).
અત્યારે સ્પીલબર્ગને યાદ કરવાનું કારણ, ૪૦ વર્ષ પહેલાં, ૧૯૭૫માં આવેલી એમની ફિલ્મ જોઝ છે. મહાસાગરોમાં સરકતી રહેતી ભયાનક શાર્ક વિશેની એ ફિલ્મ પણ જુરાસિક પાર્ક જેવી જ પાથ-બ્રેકર હતી અને તેની સિક્વલમાં બીજી ચાર ફિલ્મ પણ બની (આ ફિલ્મના ચાહકોએ એક ખાસ વેબસાઇટ પણ બનાવી છે: http://jawsmovie.com/).
જુરાસિક સીરિઝમાં અત્યારે લુપ્ત થઈ ગયેલાં ડાયનાસોર્સની કાલ્પનિક વાતો છે, પણ જોઝમાં જેની વાત છે એ શાર્ક અત્યારે પણ મહાસાગરોમાં ફરે છે અને સામાન્ય મત અનુસાર, અવારનવાર મોત બનીને ત્રાટકે છે.
આ છેલ્લા મુદ્દા માટે સામાન્ય માન્યતા અનુસાર લખવાનું કારણ એ કે હકીકત જુદી છે! ડિસ્કવરી ચેનલ ૧૯૮૮થી, દર વર્ષે જુલાઈ મહિનામાં શાર્ક સંબંધિત અનેક પ્રકારની માહિતી જુદી જુદી રીતે દર્શાવીને શાર્ક વીક ઉજવે છે અને થેન્ક્સ ટુ અમેઝિંગ વેબ, એમાંનું ઘણું ખરું આપણે ઘેરબેઠાં જાણી-માણી શકીએ છીએ!
આ જ કારણે જાણી શકાયું કે હકીકતે દર વર્ષે શાર્ક સરેરાશ ૭૦ વાર માણસ પર હુમલો કરે છે, તેમાં સરેરાશ ૬ લોકો મૃત્યુ પામે છે અને સામે પક્ષે આપણે માનવો દર વર્ષે સરેરાશ ૧૦ કરોડ શાર્કનો ખાતમો બોલાવીએ છીએ (હજી તો આ બહુ ઓછો અંદાજ હોવાનું કહેવાય છે).