થોડા સમય પહેલાં, રેલવેમાં મુસાફરી કરવી હોય તો આપણે રેલવે સ્ટેશને જઈને રિઝર્વેશન માટે લાંબી લાઇનમાં તપ કરવું પડતું અથવા એજન્ટને સાધવા પડતા. ઓનલાઇન રિઝર્વેશનની સગવડ મળ્યા પછી એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. હવે તો પેપરલેસ ટિકિટિંગની પહેલને આગળ ધપાવતાં ભારતીય રેલવેએ અનરિઝર્વ્ડ કેટેગરી માટે પણ ફટાફટ, મોબાઇલ પરથી ટિકિટ મેળવી શકાય એવી સુવિધા આપી છે. અત્યાર સુધી અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરીની ટિકિટ મેળવવા માટે, ટ્રેન ચૂકી જવાના ટેન્શન વચ્ચે પણ રેલવે સ્ટેશને લાઇનમાં ઊભા રહ્યા સિવાય છુટકો નહોતો.