જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે.
તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો સોરી, પણ સ્માર્ટફોન થકી ડિજિટલ ફોટોગ્રાફી જેટલી સહેલી બની છે, એટલું આપણે ક્લિક કરેલા ઢગલાબંધ ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ બન્યું છે.
આમ તો ગૂગલે ફોટો મેનેજમેન્ટ સહેલું બનાવવા માટે સૌથી પહેલાં પિકાસા, પછી ગૂગલ પ્લસમાં ફોટોઝ સેક્શન અને પછી અંતે, એક-બે મહિના પહેલાં ફોટોગ્રાફ્સ અને વીડિયો માટે એક અલાયદી સર્વિસ (https://photos.google.com) આપીને આપણું કામ બિલકુલ સહેલું કરી દીધું છે. તમે સારું ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા હો તો તમારા સ્માર્ટફોન અને પીસીમાંના તમામ ફોટોઝ (ફુરસદે તપાસશો તો એની સંખ્યા હજારોમાં પહોંચી શકે છે!) ગૂગલની આ નવી સર્વિસમાં અપલોડ કરી શકો છો. આ સર્વિસ આપણા તમામ ફોટો-વીડિયો વગેરેને વર્ષ-મહિના અને તારીખવાર ઓટોમેટિકલી ગોઠવે છે અને પછી તેમાંથી જુદાં જુદાં કલેક્શન પણ તૈયાર કરે છે. આપણે આ સર્વિસ વિશે અગાઉ ‘સાયબરસફર’માં જ્યાં જેટલી જગ્યા મળી એ મુજબ વાત કરી છે, પણ તમે તમારા ફોટોગ્રાફ્સ ગૂગલને સોંપવા ન માગતા હો તો?
તો દેખીતી વાત છે કે તમારે તમારા પીસીમાં જ સારી ફોટોલાઇબ્રેરી તૈયાર કર્યા વિના છૂટકો નથી. તમારા તમામ ફોટોગ્રાફને કેલેન્ડર મુજબ ગોઠવવા કે ઇવેન્ટ મુજબ એ પહેલો, જબરો મૂંઝવણ ઊભી કરતો સવાલ છે. પરંતુ, તમારી આખી ફોટોલાઇબ્રેરીની વાત પડતી મૂકીએ અને કોઈ એકાદ પ્રસંગ કે ઓફિસના પ્રોજેક્ટ પૂરતા ફોટોગ્રાફ્સને કમ્પ્યુટરમાં યોગ્ય રીતે સાચવવા હોય તો વિન્ડોઝમાં જ આપણને કેટલીક સારી સુવિધાઓ મળે છે. અહીં એ સમજી લઈએ.