એક સમય એવો હતો જ્યારે કમ્પ્યુટર ખરીદવાનું થાય ત્યારે ડેસ્કટોપ પીસી લેવું કે લેપટોપ તેની મૂંઝવણ થતી. હવે લેપટોપની ઓવરઓલ કેપેસિટી ડેસ્કટોપ જેટલી જ થઈ ગઈ છે અને લેપટોપમાં ગમે ત્યાંથી કામ કરવાની સગવડ છે એટલે પસંદગી થોડી સહેલી બની છે, તો વળી નવી મૂંઝવણ ઉમેરાઈ – લેપટોપ કેવું કે સારું ટેબલેટ?
એક વાત નક્કી છે કે ડેસ્કટોપમાં જે કંઈ થઈ શકે એ બધું લેપટોપમાં થઈ શકે, પણ એ જ રીતે ટેબલેટ લેપટોપની બરોબરી કરી શકે તેમ નથી. એટલું ખરું કે સામાન્ય રીતે ડેસ્કટોપ કરતાં લેપટોપની આવરદા ઘણી ઓછી હોય છે, પણ તમારે વારંવાર બહારગામ જવાનું થતું હોય કે ઘર, કોલેજ કે ઓફિસ અને ક્લાયન્ટ્સની ઓફિસ ત્રણે વચ્ચે તમારું કામ વહેંચાયેલું રહેતું હોય તો તમારે લેપટોપ જ લેવું પડે.
આ એક નિર્ણય લેવાયા પછીનો સવાલ છે, કયું લેપટોપ લેવું સારું? સંતાનો કોલેજમાં પહોંચી ગયાં હોય અને લેપટોપ લેવાની ડિમાન્ડ કરી રહ્યાં હોય ત્યારે માબાપ વધુ મૂંઝવણમાં મૂકાય, કયું લેપટોપ સારું એ કેવી રીતે નક્કી કરવું?
આગળ શું વાંચશો?
- લેપટોપમાં કઈ બાબતો તરફ ઓછું ધ્યાન આપશો તો ચાલશે?
- આપણા ઉપયોગ માટે લેપટોપમાં કઈ બાબતો વધુ મહત્વની છે?
- કન્વર્ટીબલ કે હાઇબ્રીડ લેપટોપ લેવાય?
મોટા ભાગે સૌની નજર પહેલાં પ્રોસેસર પર જાય, ઇન્ટેલ આઇ૩ ચાલશે કે પછી આઈ૫, આઇ૭ લેવું જોઈએ? જરા વધુ જાણકાર હોઈએ તો પ્રોસેસરની સ્પીડ કેટલી છે એ પણ તપાસીએ. પછી રેમ તરફ નજર દોડે. રેમ કેટલી પૂરતી થશે? હાર્ડ ડિસ્કમાં કેટલા જીબીની સ્ટોરેજ કેપેસિટી છે એ પણ તપાસીએ. એમાં જો શોરૂમમાં જઈને જુદી જુદી કંપનીનાં લેપટોપ તપાસીએ તો સેલ્સમેન ધડાધડ સ્પેક્સ બોલીને આપણને વધુ મૂંઝવે.
આપણે આ મૂંઝવણ ઉકેલીએ!