મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ.
આગળ શું વાંચશો?
- પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની બાબતો
- એપનો હોમ સ્ક્રીન તપાસીએ
- એક્સપેન્સ માટે જુદી જુદી કેટેગરી ખોલીએ
- ઈન્કમ નોંધીને શુભ શરુઆત કરીએ
- હવે એક્સપેન્સ નોધતા જઈએ
- ઈન્કમ-એક્સપેન્સ પર નિયમિત નજર રાખીએ
‘‘અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર પણ પડતી નથી!’’ આવો ડાયલોગ લગભગ દરેક ઘરમાં, અવારનવાર બોલાતો હશે, પછી આવક ભલે ગમે તેટલી હોય!
આપણને ખબર પણ ન પડે એ રીતે રૂપિયા ગાયબ થવાનાં બે કારણ હોઈ શકે, એક તો દેખીતું છે – દિનપ્રતિદિન મોંઘવારી સતત વધતી જાય છે. બીજું કારણ – જે દેખીતું નથી – તે એ છે કે આપણે ખર્ચનો બરાબર હિસાબ રાખી શકતા નથી!
સામાન્ય રીતે દરેક પરિવારમાં ગૃહિણી માસિક ઘરખર્ચનો હિસાબ રાખતી હોય. એ પોતાના કામમાં બહુ ચોક્કસ હોય તો દર મહિને નિશ્ર્ચિત તારીખે બેન્કમાંથી રૂપિયા ઉપાડવામાં આવે, રસોડામાં કોઈ ખૂણે કે ફ્રીઝ પર એક નાનકડી ડાયરી મૂકી હોય અને તેમાં રોજબરોજનો હિસાબ લખાતો જાય. તમે પણ આવી કોઈક રીતે, ઘરખર્ચનો હિસાબ રાખતાં હો, તો આ મહિને દૂધ પાછળ કેટલો ખર્ચ થયો કે શાકભાજીમાં કેટલા ખર્ચાયા, કરિયાણાની બે દુકાન કે સુપરમાર્કેટમાંથી માલસામાન ખરીદાય છે, તેમાં કોનું બિલ કેટલું થયું એ બધું તમે ફટાક દઈને કહી શકો?
હિસાબ ગમે તેટલી ચીવટથી ડાયરીમાં લખાતો હોય, ઘરખર્ચનું સ્પષ્ટ ચિત્ર ‘એની ટાઇમ, એની વ્હેર’ જાણવું હોય તો વાત મુશ્કેલ છે. એ માટે તો ‘એની ટાઇમ, એની વ્હેર’ સૂત્ર જેનાથી ચલણી બન્યું એ મોબાઇલ, સ્માર્ટફોનને જ કામે લગાડવો પડે. તમે એન્ડ્રોઇડ, એપલ કે વિન્ડોઝમાંથી કોઈ પણ પ્રકારનો સ્માર્ટફોન ધરાવતા હો તો તેમાં હિસાબ-કિતાબ રાખવાની સંખ્યાબંધ એપ મળી આવશે. મોટા ભાગની એપમાં મૂળ સિદ્ધાંત એકાઉન્ટિંગનો જ હોય છે, પણ કેટલીક એપ, એકાઉન્ટિંગ ન આવડતું હોય તેવા લોકો માટે પણ તેના ઉપયોગની સરળતાને કારણે બીજી એપથી અલગ તરી આવે છે.