નવા સમયમાં, આપણા જીવનની અસીમ ક્ષણો અનંત સંખ્યામાં ફોટોઝ અને વીડિયોઝમાં કેપ્ચર થતી રહે છે. એને કાયમ માટે સાચવી રાખવાનું અત્યાર સુધી મુશ્કેલ હતું. હવે આ કામ તદ્દન સરળ બન્યું છે, જોઈશે ફક્ત સારું ઇન્ટરનેટ કનેક્શન.
આગળ શું વાંચશો?
- સૌથી પહેલાં, ગૂગલ ફોટોઝની પ્રાથમિક વાતો જાણી લઈએ
- હવે આપણા તમામ ફોટોઝ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરીએ
- હવે સમય છે ગૂગલ ફોટોઝ તપાસવાનો
- ફોટોઝમાં સર્ચની મજા
- સ્થળ મુજબ ગ્રૂપિંગ
- વિષયો મુજબ ગ્રૂપિંગ
- ટાઈપ્સ મુજબ ગ્રૂપિંગ
- ચહેરા મુજબ ગ્રૂપિંગ
- ફોટોઝમાંની મુ્ખ્ય સુવિધાઓ
ચોમાસું બેસી ગયું છે. તમે પરિવાર અને મિત્રો સાથે લોંગ ડ્રાઇવ પર નીકળી પડ્યા છો. રસ્તામાં કોઈ ઠેકાણે ગરમાગરમ, મસાલાવાળી ચા પીવા રોકાયા છો. પતરાંના છાપરા નીચે અડધા પલળતા તમે ઊભા છો અને પછી ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ફટાફટ આસપાસની તસવીરો, વીડિયો લેવાનું શરૂ કરો છો.
પરિણામ? મોં પર ઝીંકાતી મસ્ત મજાની વાછંટનો લ્હાવો લૂંટવાનું તમે ચૂકી જાવ છો. આદુવાળી ચાથી શરીરમાં અનુભવાતો ગરમાટો પણ તમારા ધ્યાનમાં આવતો નથી. જોકે તમને એની પરવા નથી. કુદરત આવી રીતે મન મૂકીને વરસી રહી હોય તો એને કેમેરામાં કાયમ માટે કેદ કરી લેવા માટે તમે બીજું થોડું જતું કરવા તૈયાર છો.
આવું ફક્ત ચોમાસામાં નહીં, લગભગ કાયમ આપણા સૌ સાથે બનતું રહે છે. આપણને ગમતું જે કંઈ બની રહ્યું હોય એને કાયમ માટે સાચવી લેવાની જહેમતમાં આપણે જે તે ક્ષણનો આનંદ ચૂકી જઈએ છીએ. વરસાદ પંદર-વીસ મિનિટ ચાલ્યો હોય અને આપણે દસેક મિનિટ પલળવાની અને ચાની મજા લૂંટ્યા પછી ધડાધડ તસવીરો લઈએ તો એમાં કશું ખોટું પણ નથી.
પરંતુ વાતમાં ટ્રેજિક ટ્વીસ્ટ હવે આવે છે.
કેમેરા કે સ્માર્ટફોનથી આપણે અવારનવાર ફોટોગ્રાફ્સ લેતા રહીએ છીએ અને પરિણામે કેમેરાના કાર્ડમાં, કમ્પ્યુટરનાં વિવિધ ફોલ્ડરમાં, સ્માર્ટફોનની ઇન્ટર્નલ મેમરીમાં કે એક્સટર્નલ કાર્ડમાં, પેનડ્રાઇવમાં, સીડી પર કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં બેકઅપ લીધો હોય તો તેમાં… કેટકેટલી અલગ અલગ જગ્યાએ આપણા એક સમયના ફેવરિટ ફોટોગ્રાફ્સ વિખરાયેલા પડ્યા રહે છે.
એ ફોટોગ્રાફ્સ આપણા ફેવરિટ તો હજી પણ છે, પણ ચાર વર્ષ પહેલાં, આ જ રીતે લોંગડ્રાઇવ પર નીકળ્યા હતા ત્યારે એક લારી પર ગરમાગરમ દાળવડાં ખાતાં ખાતાં વરસાદની તસવીરો લીધી હતી, એ ફરી જોવી હોય તો?
એ આપણી ઓલટાઇમ ફેવરિટ તસવીરો કઈ કઈ જગ્યાએ શોધવા જશું? જે ક્ષણો કાયમ માટે સાચવી લેવા માટે આપણે જે તે ક્ષણનો આનંદ જતો કર્યો હોય, એ જ તસવીરો આપણે ફરી જોવા માગીએ ત્યારે સહેલાઈથી મળતી નથી!
સદભાગ્યે, હવે આપણી તમામ તસવીરો માટે આપણને એક કાયમી સરનામું મળ્યું છે. ગૂગલ ફોટોઝ સ્વરૂપે. આ એક સાઇટ પર જો આપણે આપણે લીધેલા તમામ ફોટોઝ અપલોડ કર્યા હોય તો – વાત ગૂગલની હોવાથી, નેચરલી – સર્ચ બોક્સમાં જઈને ‘રેઇન’ સર્ચ કરીએ તો આઠ-દસ વર્ષ પહેલાં આપણે લીધેલી વરસાદની તસવીરો કે ‘ફૂડ’ સર્ચ કરતાં દાળવડાની પ્લેટની તસવીરો ધડાક દઈને આપણી સામે આવે છે અને એ સાથે તાજી થાય એ મજાના દિવસોની. તસવીરમાં સુગંધ સ્ટોર કરવાનું હજી શોધાયું ન હોવા છતાં, એ તસવીરો જોઈને ભીની માટીની મહેકથી આપણે તરબતર થઈ જઈએ.
આ મજા ભવિષ્યમાં, જ્યારે ઇચ્છીએ ત્યારે માણવા માટે તો આપણે તસવીરો લેતા હોઈએ છીએ!