ઇન્ટરનેટ પર કામકાજનો તમારો ઘણો ખરો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ્સ જાણી રાખવાથી તમારું બ્રાઉઝિંગ ઘણું વધુ ઝડપી બની શકે છે.
દુનિયાનું ફેવરિટ બ્રાઉઝર કયું? આ સવાલના જવાબમાં પાછો બીજો સવાલ પૂછાઈ શકે છે કમ્પ્યુટરની વાત કરો છો કે મોબાઇલની?
આમ તો ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે આ મુદ્દે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે અને છેલ્લા (એકાદ વર્ષ જૂના!) સમાચારો મુજબ છેવટે ગૂગલ ક્રોમ તેના બંને હરીફો કરતાં આગળ નીકળી ગયું છે. તેનું કારણ પહેલા પ્રશ્ર્નના પૂરક પ્રશ્નમાં જ સમાયેલું છે.
હવે લોકો ફક્ત કમ્પ્યુટર પર નહીં પણ મોબાઇલ પર પણ (કેટલાય લોકો તો કમ્પ્યુટર કરતાં પણ મોબાઇલ પર વધુ) ઇન્ટરનેટ એક્સેસ કરે છે અને મોટા ભાગના લોકો કમ્પ્યુટર અને મોબાઇલ બંનેમાં એક સરખો બ્રાઉઝિંગ અનુભવ મળે એવું ઇચ્છતા હોય છે. આઇઈ અને ફાયરફોક્સ કમ્પ્યુટર પર ખાસ્સાં લોકપ્રિય રહ્યાં છે, પણ મોબાઇલ પર તેમની હાજરી તદ્દન મર્યાદિત છે. ઉપરાંત, લોકો ગૂગલની અનેકવિધ સર્વિસનો ઉપયોગ કરતા હોવાથી પણ અંતે તેમને બધે ક્રોમનો ઉપયોગ કરવામાં વધુ સગવડતા રહે છે.
ઘણું કરીને તમારું ફેવરિટ બ્રાઉઝર પણ ક્રોમ જ હશે, પણ ફાસ્ટ ક્રોમને તમે હજી વધુ કેટલુંક ફાસ્ટ બનાવી શકો છો?
જો તમારો ઇન્ટરનેટ પરનો ઘણો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ સમજી લેવા જેવા છે. આ લિસ્ટ લાંબું છે, પણ તેમાંથી બે-ચાર તમારી આંગળીના ટેરવે ચઢી જશે તો પણ તમારું બ્રાઉઝિંગ વધુ ફાસ્ટ બનશે એ નક્કી!