[button-yellow url=”#” target=”_self” position=”left”]માર્ચ 27, 2019ઃ આજે ભારતે ‘મિશન શક્તિ’ અંતર્ગત પૃથ્વીથી ૩૦૦ કિલોમીટર દૂર ફરતા એક સેટેલાઇટને મિસાઇલથી તોડીને ‘સ્પેસ પાવર લીગ’માં સ્થાન મેળવ્યું એ સમાચાર જાણીને, તમને આપણી માથે સતત ફરતા રહેતા સેટેલાઇટ્સમાં રસ પડ્યો હોય તો તમને, એપ્રિલ 1, 2015ના અંકમાં પ્રકાશિત આ લેખ ગમશે.[/button-yellow]
‘સાયબરસફર’ના ગયા અંકમાં આપણે અગાશીએ ચઢીને નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવાની વાત કરી હતી, એ વાંચીને અને જાતઅનુભવ કર્યા પછી તમને ચોક્કસ સવાલ થયો હશે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા બીજા કેટલા સેટેલાઇટ્સ અત્યારે આપણી માથે, અંતરિક્ષમાં ચકરાવા લેતા હશે?
જવાબ મળી શકે છે કે એક મજાના ઇન્ટરએક્ટિવ વેબપેજ પરથી.
http://qz.com/ નામની એક વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ વેબપેજ પર ‘ધ વર્લ્ડ અબાવ અસ’ નામે, પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતા દરેક એક્ટિવ સેટેલાઇટને દર્શાવવા આવ્યો છે.
આ લેખના અંતે તેની લિંક આપેલી છે, પણ પહેલાં આપણે આ ઇન્ટરએક્ટિવ પેજ કેવી રીતે જોવું તે સમજીએ.
એ વેબપેજ પર પહોંચશો એટલે સૌથી પહેલાં તો એ જાણવા મળશે કે અત્યારે, આ ક્ષણે ૧૨૦૦થી વધુ એક્ટિવ સેટેલાઇટ્સ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને પૃથ્વીની તસવીરો લઈ રહ્યા છે, કમ્યુનિકેશન્સનાં સિગ્નલ્સ ઝીલીને પૃથ્વી પર પરત મોકલી રહ્યા છે, જુદાં જુદાં લોકેશનની માહિતી મોકલી રહ્યા છે, આપણી જાસૂસી કરી રહ્યા છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા સેટેલાઇટ તો જીવતા જાગતા માણસને પણ પોતાની સાથે ફેરવી રહ્યા છે!
યુનિયન ઓફ કન્સર્ન્ડ સાયન્ટિસ્ટ્સ (સજાગ કે સચિંત વૈજ્ઞાનિકોનું સંગઠન) નામની એક સંસ્થાએ એકઠા કરેલા ડેટાબેઝને આધારે ક્વાર્ટ્ઝ કંપનીએ ઓગસ્ટ ૨૧, ૨૦૧૪ સુધીની સ્થિતિ અનુસાર પૃથ્વીથી અંતરિક્ષ સુધીના આવરણમાં કયો સેટેલાઇટ ક્યાં છે, કયા દેશનો છે અને તેનો હેતુ શો છે વગેરે માહિતી એક જ વેબપેજ પર દર્શાવી છે.
આ વેબપેજ પર સેટેલાઇટના વજન અનુસાર તેમને નાનાથી મોટા વર્તુળમાં દર્શાવવામાં આવ્યા છે. સૌથી નાનાં ટપકાં, ૩ કિલોથી ઓછું વજન ધરાવતા સેટેલાઇટનાં છે ને ત્યાંથી માંડીને ૫,૦૦૦ કે ૨૦,૦૦૦ કિલો સુધીના વજનના સેટેલાઇટ્સ પણ છે.
મુખ્યત્વે અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ભારત, યુરોપિયન દેશો તથા વિવિધ દેશોનાં સંગઠનો અને વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા સેટેલાઇટ્સ તરતા મૂકવામાં આવે છે. દરેક દેશના સેટેલાઇટ્સ જુદા જુદા રંગનાં વર્તુળથી દર્શાવવામાં આવ્યા છે, જેમ કે ભારતના સેટેલાઇટ્સ લીલા રંગના છે.