ગુજરાતમાં વારંવાર મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગતાં લોકો તેના ઉપાય શોધવા લાગ્યા છે. આવા પ્રતિબંધ કરતાં પણ, કુદરતી આફતના સંજોગમાં ઘણી મદદરૂપ થઈ શકે એવી એક કરામતી એપ જાણી લો.
આગળ શું વાંચશો?
- ફાયરચેટમાં શું શું થઈ શકે?
ગયા મહિને પૂરાં ૧૩ વર્ષ પછી ગુજરાતે અશાંતિ જોઈ અને કેટલાંય વર્ષો પછી આપણે એ પણ અનુભવ કર્યો કે ફેસબુક કે વોટ્સએપ વિના પણ જીવી શકાય છે! સરકારે અને ઘણી મોબાઈલ કંપનીઓએ સામે ચાલીને, અફવાઓ ડામવા અને પરિસ્થિતિ થાળે પાડવા મોબાઇલ ઇન્ટરનેટ તથા એસએમએસ સુવિધાઓ અમુક દિવસ પૂરતી બંધ કરી દીધી.
પરંતુ જરૂરિયાત શોધની જનની છે! અશાંતિના દિવસો દરમિયાન, મોબાઇલ ઇન્ટરનેટ પરના પ્રતિબંધનો રસ્તો શોધવા, ટેક્નોલોજીનો થોડો વધારે પનારો ધરાવતા લોકોએ આઇપી એડ્રેસ બદલવા જેવા અખતરા કરીને સોશિયલ કનેક્શન જીવંત રાખવાની કોશિશ કરી.
હકીકત એ પણ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી, ઓનલાઇન શોપિંગ, નેટ બેન્કિંગ વગેરે બધું ખોરવાઈ ગયું, એનો ઉપોગ કરતા લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી અને એથી પણ આગળ, ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં, મશીનરીનું ઓટોમેશન પણ હવે ક્લાઉડ સર્વિસીઝથી ઓપરેટ થઈ શકે છે, જે બધું પણ ઠપ્પ થઈ ગયું.
આ તો સરકારી પ્રતિબંધ હતો, પણ આસમાની આફત સમયે નેટ કનેક્શન કે ઇવન મોબાઇલ વોઇસ કમ્યુનિકેશન પણ ઠપ થઈ જાય તો?
આવા સંજોગોમાં સ્માર્ટફોનન ખરેખર સ્માર્ટ સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એવી પણ એક એપ છે, જેની મદદથી ઇન્ટરનેટનાં વાઇ-ફાઇ સિગ્નલ વિના અને મોબાઇલ ડેટા પ્લાન વિના પણ લોકો એકબીજાના સંપર્કમાં રહી શકે છે!