ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં શિરમોર આઇઆઇટીમાં એડમિશન ન મળે તો? તો તમારા માટે અને આજીવન એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર થયું છે આ પોર્ટલ…
એક સવાલ – કોંક્રિટ એટલે શું? તમે કહેશો કે સીમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ, બીજું શું? વાત સાવ સાચી, પણ આ કોંક્રિટ વિશે અને તેની મદદથી રીઇન્ફોર્સ્ડ સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કરવા વિશે પૂરી ૫૫ મિનિટનો વીડિયો હોય એ વાત – એન્જિનીયરિંગ જેનો વિષય નથી એવા – આપણી જેવા લોકોના મગજમાં ઝટ ઊતરે નહીં.
એન્જિનીયરિંગ જેમનો વિષય છે એ કહેશે કે કોંક્રિટ વિશે તો એથી પણ ઘણું વધુ જાણી શકાય – જો તમે ખરેખર સારી કોલેજમાં ભણ્યા કે ભણતા હો તો.
આ સારી કોલેજવાળો મુદ્દો અગત્યનો છે કારણ કે ભારતમાં ટેકનિકલ એજ્યુકેશનના જે ખેરખાંઓ છે, એમનો આ વિશે અભિપ્રાય વાંચો: “અત્યારે ભારતનાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂશન્સ જેટલી સંખ્યામાં ક્વોલિફાઇડ ગ્રેજ્યુએટ્સ પૂરા પાડી શકે છે તેની સરખામણીમાં ટ્રેઇન્ડ એન્જિનીયર્સ અને ટેક્નોલોજિસ્ટ્સની જરૂરિયાત ઘણી વધુ છે. એન્જિનીયરિંગની બધી શાખામાં ફૂલ્લી ક્વોલિફાઇડ અને ટ્રેઇન્ડ ટીચર્સ ધરાવતાં ઇન્સ્ટિટ્યૂટ્સ પણ બહુ ઓછાં છે. મોટા ભાગના ટીચર્સ યુવાન અને બિનઅનુભવી છે. એટલે જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી) જેવી સંસ્થાઓએ સૌને અલગ અલગ મીડિયા દ્વારા હાઇ ક્વોલિટીનું ટીચિંગ/લર્નિંગ કન્ટેન્ટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો કરવા જોઈએ.”
ટૂંકમાં શિક્ષણના નિષ્ણાતો બરાબર સમજે છે કે એન્જિનીયરિંગની દેશની ટોચની સંસ્થાઓ અને અન્ય (સરકારી અને ખાનગી કોલેજો)ની ફેકલ્ટીઝના જ્ઞાન-અનુભવ-આવડત વચ્ચે બહુ મોટું અંતર છે અને તેને કોઈ રીતે પૂરવું રહ્યું.