આ જાપાનીઝ ‘લાઇન’ અમેરિકન ફેસબુક કરતાં મોટી થશે?

  આપણે ભલે એમ માનતા હોઈએ કે ફેસબુકને સૌથી મોટી હરીફાઈ ગૂગલ પ્લસ તરફથી હશે (ફેસબુકમાં જીપ્લસ જેવાં ફીચર્સ સતત ઉમેરાતાં હોવાથી આ ધારણાને બળ પણ મળે છે), પણ હકીકત એ છે કે જાપાનમાં શરૂ થયેલી એક એપ્લિકેશન ફેસબુક કરતાંય વધુ ઝડપથી લોકપ્રિય બની રહી છે!

  આગળ શું વાંચશો?

  • લાઈનનો ઉપયોગ કેવી રીતે કરશો?
  • આ એપ તમારા સ્માર્ટફોનમાં
  • ફ્રી કોલ કરવા માટે..

  ફેસબુકને ૫.૮ કરોડ યુઝર્સના આંકડા સુધી પહોંચતાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય લાગ્યો હતો (૨૦૦૪થી ૨૦૦૭ સુધીમાં) જ્યારે આ નવીસવી જાપાનીઝ ‘લાઇન’ એપના યુઝર્સની સંખ્યા માંડ એક વર્ષમાં ૫.૮ કરોડે પહોંચી ગઈ છે!

  આખરે એવું તે શું છે આ એપ્લિકેશનમાં કે તે આટલી ઝડપે વિસ્તરી રહી છે? નિષ્ણાતો કહે છે કે એટલું સમજી લોને કે ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ, ઇન્સ્ટાગ્રામ, સ્કાઇપ, ઝિંગા, ગ્રુપોન વગેરે ઇન્ટરનેટની ટોપ સર્વિસીઝનાં લગભગ બધાં જમાપાસાં આ એક એપ્લિકેશનમાં સમાવી લેવામાં આવ્યાં છે! કંપનીના સીઈઓ કહે છે કે “અમારું પહેલું લક્ષ્ય ફેસબુકથી આગળ નીકળવાનું છે. કંપની ૨૦૧૨નું વર્ષ બદલાય તે પહેલાં યુઝર્સની સંખ્યા ફેસબુકથી આગળ એટલે કે ૧૦ કરોડથી વધુ લઈ જવા માગે છે.

  જાપાનમાં માર્ચ ૨૦૧૧માં ભૂકંપ, સુનામી અને ત્યાર પછી ન્યૂક્લિયર કટોકટીને પગલે આખા દેશની ફોનલાઇન્સ ખોટકાઈ પડી હતી, ત્યારે લોકો માટે એકમેકના સંપર્કમાં રહેવાનું એક માત્ર સાધન હતું ઇન્ટરનેટ. એ અનુભવને આગળ ધપાવીને દક્ષિણ કોરિયાના એનએચએન કોર્પોરેશને જૂન ૨૦૧૧માં ‘લાઇન’ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી. આ કંપની જાપાનમાં નેવર નામનું એક સર્ચ એન્જિન પણ ચલાવે છે.

  આઇફોન, એન્ડ્રોઇડ અને વિન્ડોઝના સ્માર્ટફોન ધરાવતા લોકો આ એપ્લિકેશન તેમના ડિવાઇસમાં ડાઉનલોડ કરી શકે છે. તેનો પીસી કે મેક પર પણ ઉપયોગ થઈ શકે છે. શરુ‚આતમાં, ‘લાઇન’ એપ ધરાવતા લોકો તેમના જેવા બીજા ‘લાઇન’ના યુઝર્સ સાથે ટેક્સ્ટ-ચેટ કરી શકે એવી ટેક્સ્ટ મેસેજિંગ તરીકે ‘લાઇન’ની શ‚આત થઈ હતી.

  તમને એવો વિચાર આવ્યોને કે ‘એસએમએસ તો ફોનમાંથી સીધા જ થઈ શકે છે, એને માટે વધારાની એપની શી જ‚ર છે?’ વાત સાચી, પણ આપણા ફોનમાંથી એસએમએસ કરતાં આપણને જેનું બિલ ચઢે, જ્યારે એપની મદદથી મેસેજિંગ કરતાં ફક્ત ઇન્ટરનેટનો વપરાશ થાય, જો ઇન્ટરનેટ માટે તમારો અનલિમિટેડ પ્લાન હોય કે વાઇ-ફાઇનો ઉપયોગ કરતા હો તો આ કામ બિલકુલ મફત થાય! બરાબર આ જ વાત, વોઇસ કોલને પણ લાગુ પડે છે.

  ‘લાઇન’ એપ લોન્ચ થયાના ત્રણ મહિનામાં, સ્માર્ટફોનમાં આ એપની મદદથી બીજા ‘લાઇન’ યુઝર્સને સાવ ફ્રીમાં કોલ કરી શકાય એવી સુવિધા પણ ઉમેરાઈ!

  તમે તમારા સ્માર્ટફોનમાં ‘લાઇન’ એપ ઇન્સ્ટોલ કરો એટલે આ એપ તમને કહી બતાવે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંના બીજા કેટલા અને કયા લોકો લાઇનનો ઉપયોગ કરે છે. લાઇનની મદદથી સાદા ફોન પર પણ મેસેજ મોકલી શકાય છે.

  અચ્છા, જો બધું ફ્રી હોય તો આ ‘લાઇન’ની કમાણીની લાઇન કઈ છે? મુખ્ય ‘લાઇન’ એપ ઉપરાંત તેમાં ફોટો એડિટિંગ, ગ્રીટિંગ કાર્ડ અને યંગસ્ટર્સ ફન સ્ટીકર્સની આપલે કરી શકે એવી પણ વ્યવસ્થા છે અને આમાંની અમુક બાબતો યુઝર્સ ખરીદી શકે છે ને તેમાંથી કંપનીને કમાણી થાય છે.

  ફક્ત બે મહિનામાં માત્ર સ્ટીકર્સના વેચાણમાંથી આ કંપનીને ૬૦ લાખ ડોલર જેટલી કમાણી થઈ છે. કંપની હજી નફો કરતી નથી, પણ તેના અધિકારીઓ કહે છે કે કંપની હજી તો મૂડીરોકાણના તબક્કામાં છે!

  ‘લાઇન’નો ઉપયોગ કેવી રીતે કરશો?

  તમારા આઇફોન, એન્ડ્રોઇડ કે વિન્ડોઝ ફોનના એપ સ્ટોરમાં જઈ ‘લાઇન’ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. પહેલી વાર એપ રન કરશો એટલે સિસ્ટમ તમારો દેશ (એ જાતે જ જાણી લેશે) અને ફોન નંબર પૂછશે (૧૦ આંક લખો). સાથે ટર્મ્સ ઓફ સર્વિસ એન્ડ પ્રાઇવસી પોલિસી આપી હશે, એ વાંચીને તમે તેની સાથે સંમત છો એવી મંજૂરી આપો.

  હવે સિસ્ટમ તમને પૂછશે કે તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટનો ઉપયોગ કરીને ‘લાઇન’નો ઉપયોગ કરતા તમારા મિત્રોને શોધવા ઇચ્છો છો? જો તમે હા કહેશો, તમારું કોન્ટેક્ટ લિસ્ટ ‘લાઇન’ એપના સર્વર પર લઈ જવામાં આવશે અને ‘લાઇન’નો ઉપયોગ કરતા તમારા તમામ મિત્રોનાં નામ તમારા ‘લાઇન’ના ફ્રેન્ડ્ઝ લિસ્ટમાં ઉમેરી દેવામાં આવશે. ભારતમાં હજી ‘લાઇન’ના યુઝર્સ મળવા મુશ્કેલ છે!

  સિસ્ટમ તમને એટલી ધરપત આપે છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી માત્ર ફોન નંબર અને મોબાઇલ ઈ-મેઇલ એડ્રેસ જ સર્વરને મોકલવામાં આવશે. ફોટો, નામ વગેરે મોકલાશે નહીં. ઉપરાંત તમામ ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવશે (એટલે કે બીજું કોઈ જોઈ શકે નહીં) અને તેનો બીજો કોઈ ઉપયોગ કરવામાં આવશે નહીં.

  તમે તમારા મિત્રો શોધો છો, તેમ તમારું નામ તમારા જે લાઇનયુઝર મિત્રના કોન્ટેક્ટ લિસ્ટમાં હશે તેના ફ્રેન્ડ્ઝ લિસ્ટમાં તમારું નામ પણ આપોઆપ ઉમેરાઈ જશે.

  તમે એપના સેટિંગમાં જઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના ઉપયોગ વિશેનાં સેટિંગ્સ બદલી શકો છો.

  આટલું વાંચ્યા પછી, તમે મિત્રો શોધવા ન માગતા હો તો આ પગલું સ્કિપ કરીને આગળ વધી શકો છો. આ વિકલ્પ પસંદ કરશો એટલે સિસ્ટમ તરફથી મેસેજ મળશે કે તમે આપેલા તમારા ફોન નંબર પર એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે.

  આ કોડ તમને એસએમએસમાં મળશે અને સાથે તાકીદ કરેલી હશે કે તેનો આવતી ૩૦ મિનિટમાં ઉપયોગ કરી લો.

  ‘લાઇન’ સર્વિસ તમારો ફોનનંબર શા માટે પૂછે છે કે તમારું કોન્ટેક્ટ લિસ્ટ શા માટે જાણવા ઇચ્છે છે એવા સવાલોના જવાબ તેના હેલ્પ વિભાગમાં મળી રહેશે. હા, અહીં એટલી ચોખવટ છે કે તમે બીજા ‘લાઇન’ યુઝર્સને તમારા ફ્રેન્ડ્ઝ તરીકે એડ કરો ત્યારે પણ તમારો ફોન નંબર કે યુઝર આઇડી એ લોકો જોઈ શકશે નહીં.

  હવે રજિસ્ટ્રેશન માટે તમારું નામ પૂછવામાં આવશે. ઇચ્છો તો તમારો ફોટો પણ અપલોડ કરી દો. હવે જો તમે તમારા પીસીની મદદથી લાઇન એપ એક્સેસ કરવા માગતા હો તો તમારું ઈ-મેઇલ પણ રજિસ્ટર કરાવી દો.(તમારા બેન્ક અને અન્ય મૂડીરોકાણોનાં સ્ટેટમેન્ટ જે ઈ-મેઇલ એકાઉન્ટ પર આવતાં હોય તેના બદલે બીજા કોઈ એકાઉન્ટનો ઉપયોગ કરો તે વધુ સારું!) યાદ રહે, અહીં તમારે તમારા ઈ-મેઇલ એકાઉન્ટ સાથે કોઈ નવો જ પાસવર્ડ પસંદ કરવાનો છે, એ ઈ-મેઇલ એકાઉન્ટનો જ પાસવર્ડ આપશો નહીં.

  બસ, આટલું થયું એટલે હવે ‘લાઇન’નો ઉપયોગ કરવા માટે તૈયાર છો! એપના હોમ પેજ પર જઈ ફેસબુક, ગૂગલ પ્લસ કે ટ્વીટરની જેમ તમારું સ્ટેટસ અપડેટ કરતા રહો. ચાહો તો તેમાં ફોટો, વીડિયો ઉમેરો (ફ્રન્ટ કેમેરા હોય તો પોતાનો વીડિયો પણ મોકલી શકો!) અને મિત્રો સાથે સંપર્કમાં રહો.

  તમે કોઈ મિત્રોનાં નામ ઉમેર્યાં નહીં હોય તો તમારું સ્ટેટસ કે પોસ્ટ કોઈને દેખાશે નહીં. હવે મિત્રો ઉમેરીને લાઇનનો ઉપયોગ આગળ ધપાવી શકો છો. એક ગ્રૂપ ક્રિયેટ કરીને તેમાં મિત્રોનાં નામ ઉમેરી શકો છો. આ મિત્રો એકબીજા સાથે ચેટ કરી શકે છે. એપના દાવા મુજબ તમે એકસાથે ૧૦૦ મિત્રો સાથે ચેટ કરી શકો છો!

  ‘લાઇન’માં જુદી જુદી ઘણી સગવડો લાઇન-અપ થઈને ઉમેરાવા તૈયાર છે, જોવાનું એ રહેશે કે આ જાપાનીઝ ‘લાઇન’ અમેરિકન ફેસબુક કરતાં મોટી થશે ખરી?

  જાપાનમાં જન્મેલી આ એપ્લિકેશન અત્યારે ઇન્ટરનેટનો હોટેસ્ટ ટોપિક ગણાય છે.

  ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ, ઇન્સ્ટાગ્રામ, સ્કાઇપ, ઝિંગા, ગ્રુપોન વગેરે ટોપ સર્વિસીઝનાં લગભગ બધાં જમાપાસાં આ એક એપ્લિકેશનમાં સમાવી લેવામાં આવ્યાં છે.

  ૨૦થી વધુ દેશોમાં સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્સમાં ‘લાઇન’ ટોપ પર છે.

  ૨૩૦થી વધુ દેશોમાં ગ્લોબલ મેસેજિંગ સર્વિસ તરીકે લોકો ‘લાઇન’નો ઉપયોગ કરે છે.

  આ એપ તમારા સ્માર્ટફોનમાં…

  ‘લાઇન’ એપ્લિકેશન અત્યંત ઝડપથી જાપાન અને બીજા દેશોમાં લોકપ્રિય બની રહી છે, અને થોડા સમયમાં આપણા દેશમાં પણ તેની બોલબાલા થાય તો નવાઈ નહીં (મફત કોલ કરવાની સગવડ કોને ન ગમે?) પણ આ એપ તમારા સ્માર્ટફોનમાં શું શું કરી શકે છે એ મુદ્દા પર પણ નજર કરી લેવા જેવી છે. આ એપ…

  • તમારો કોન્ટેક્ટ ડેટા વાંચી શકે છે.
  • તમારા નેટવર્કના આધારે અને જીપીએસની મદદથી તમારું એક્ઝેટ લોકેશન જાણી શકે છે.
  • તમારા મેસેજીસ વાંચી શકે છે.
  • બ્લુટૂથ કનેક્શન્સ ક્રિયેટ કરી શકે છે અને ફૂલ ઇન્ટરનેટ એક્સેસ કરી શકે છે.
  • તમારા આઉટગોઇંગ કોલ્સ ઇન્ટરસેપ્ટ કરી શકે છે, ફોનની સ્થિતિ અને ઓળખ જાણી શકે છે.
  • તમારા ઓડિયો સેટિંગ્સ, રેકોર્ડ ઓડિયો અને પિક્ચર્સ/વીડિયો લઈ શકે છે.
  • નેટવર્ક કનેક્ટિવિટી, વાઇ-ફાઇ સ્ટેટસ બદલવું, કી લોક ડિઝેબલ કરવું, ગ્લોબલ સિસ્ટમ સેટિંગ્સ બદલવાં, ફોનને સ્લીપિંગ મોડમાં જતાં અટકાવવો વગેરે કરી શકે છે.

  આ લિસ્ટ વાંચીને લાઇનથી ડરવું કે ચિંતા કર્યા વિના આગળ વધવું એ તમારા હાથમાં છે. એટલું જાણી લો કે આ યાદી ફક્ત લાઇન પૂરતી સીમિત નથી. તમારા સ્માર્ટફોનમાં તમે જે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો છો એમાંની મોટા ભાગની, ઉપર લખેલું મોટા ભાગની કામ કરી શકતી હોય છે!

  ફ્રી કોલ કરવા માટે…

  તમારા ફ્રેન્ડ્ઝ લિસ્ટમાં, ચેટ પેજ પર જઈને ને ફ્રેન્ડ્ઝના ગ્રૂપમાં જઈને કોઈ ફ્રેન્ડના નામ પર ટેપ કરશો એટલે એક પોપ-અપ વિન્ડો ખૂલશે, તેમાં ફ્રી કોલ પસંદ કરો અને એ ફ્રેન્ડ આન્સરનો વિકલ્પ પસંદ કરે એટલે વાત કરવાનું શરૂ કરો!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here