જાણી છતાં અજાણી ફંક્શન કી

  કીબોર્ડ પર સૌથી પહેલાં નજરે ચઢતી, છતાં સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતી ફંક્શન કીની ખૂબીઓ તપાસીએ…

  કમ્પ્યુટર પર કામ કરવાનું થાય એટલે આપણી આંગળી સૌથી પહેલાં પહોંચે સીપીયુના સ્ટાર્ટ બટન પર અને ત્યાંથી પહોંચે કીબોર્ડ પર. હવે આ કીબોર્ટ પર F1થી શરુ કરીને છેક F12 સુધીની પૂરી ૧૨ કી, કીબોર્ડની બરાબર સૌથી ઉપરની હરોળમાં આપેલી હોય છે અને છતાં આપણે ભાગ્યે જ એના તરફ ધ્યાન આપીએ છીએ!

  હવેનાં નવાં મલ્ટીમીડિયા કીબોર્ડમાં તો બીજી ઘણી બધી કી પણ જોવા મળતી હોવાથી જુદી જુદી કંપનીનાં કીબોર્ડમાં જુદી જુદી કી હોઈ શકે છે, પણ આ F1થી F12 સુધીની ૧૨ કી તો દરેક કીબોર્ડમાં હોય જ. ફંક્શન કી તરીકે ઓળખાતી આ બધી કી જુદા જુદા શોર્ટકટ માટે વપરાય છે.

  મોટા ભાગના પ્રોગ્રામ્સ એક સરખા શોર્ટકટ માટે આ બધી કીનો ઉપયોગ કરે છે, પણ ક્યારેક અલગ અલગ પ્રોગ્રામમાં તેનો ઉપયોગ જુદો જુદો હોય એવું બની શકે છે. તેમ, કેટલાક શોર્ટકટ માત્ર એક એફ કી પ્રેસ કરવાથી એક્ટિવેટ કરી શકાય છે, જ્યારે કેટલાક શોર્ટકટ,  Alt, Ctrl, Shift વગેરે કીની સાથે ફંક્શન કી પ્રેસ કરવાથી એક્ટિવેટ કરી શકાતા હોય છે. તમે ધ્યાનથી જોશો તો જુદા જુદા પ્રોગ્રામમાં, જુદાં જુદાં ફંક્શન માટેની શોર્ટકટ કીમાં રસપ્રદ સમાનતા જોવા મળશે.

  અહીં આપણી તપાસીએ, સામાન્ય રીતે વધુ ઉપયોગમાં લેવાત પ્રોગ્રામ્સમાં આ બધી કીનો ઉપયોગ…

  • F1: આ કી હેલ્પ કી તરીકે જાણીતી છે. મોટા ભાગના પ્રોગ્રામમાં તમને કોઈ વાતે ગૂંચવણ થાય તો આ કી દબાવીને તમે તેના હેલ્પ ડોક્યુમેન્ટમાં જઈ શકો છો. અહીં હેલ્પ ટોપિક્સમાં તપાસ કરો એટલે મોટા ભાગે તમારા પ્રશ્ર્નનો ઉત્તર મળી જાય.
  • F2: આ કી મોટા ભાગે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે વિન્ડોઝ એક્સપ્લોરરમાં તમે જુદાં જુદાં ફોલ્ડરમાં તમારી ફાઇલ જોઈ રહ્યા હો અને તેમાંથી કોઈનું નામ બદલવા માગતા હો તો માઉસના પહેલા બટનથી ફાઇલ પર ક્લિક કરી, F2 પ્રેસ કરો એટલે માઉસ એ ફાઇલ કે ફોલ્ડરના નામની ‘અંદર’ પહોંચી જાય અને તમે ફાઇલ નેમ એડિટ કરી શકો. એક્સેલ પ્રોગ્રામમાં કોઈ સેલમાંનાો ડેટા એડિટ કરવા માટે આ જ રીતે અજમાવવાની હોય છે.
  • F3: આ કી વિન્ડોઝમાં સર્ચ ઓપ્શનમાં જવા માટે ઉપયોગી છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં શબ્દને કેપિટલ કે સ્મોલ કરવા માટે આ Shift+3 નો ઉપયોગ થાય છે. થોડી પ્રેક્ટિસથી આ ઉપયોગ બરાબર સમજાશે.
  • F4: આ કીનો સૌથી વધુ ઉપયોગ ચાલુ પ્રોગ્રામ બંધ કરવા માટે થાય છે. તમારે ફાઇલમાં જઈને ક્લોઝ પ્રોગ્રામનો લાંબો રસ્તો ટૂંકો કરવો હોય તો Alt સાથે F4 પ્રેસ કરો એટલે પ્રોગ્રામ બંધ થઈ જાય (પ્રોગ્રામમાંની ફાઇલ સેવ ન કરી હોય તો સિસ્ટમ તમે સેવ કરવા માગો છો કે નહીં એવું પહેલાં પૂછશે અને પછી પ્રોગ્રામ બંધ કરશે). આ રીતે, કમ્પ્યુટર શટડાઉન કરતાં પહેલાં બધી એક્ટિવ વિન્ડો તમે આ રીતે ફટાફટ બંધ કરી શકો છો. ઉપરાંત, આ કીથી માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે સૌથું છેલ્લું એક્શન રીપીટ કરી શકો છો. આ જરા અટપટો ઉપયોગ છે, થોડા અખતરા કરવા પડશેે!
  • F5: ઇન્ટરનેટ સર્ફિંગ વખતે વેબપેજને રીલોડ કરવા માટે આ કી વપરાય છે. પાવરપોઇન્ટ પ્રોગ્રામમાં આ કી પ્રેસ કરીને પ્રેઝન્ટેશનનો સ્લાઇડશો શ‚ કરી શકાય છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં, ફાઇન્ડ, રીપ્લેસ અને ગો ટુ ઓપ્શન્સમાં જવા માટે આ કી કામ લાગે છે.
  • F6: ઇન્ટરનેટ સર્ફિંગ વખતે તમારે એડ્રેસ બારમાં કોઈ બીજી સાઇટનું એડ્રેસ ટાઇપ કરવું હોય તો આ ઋ૬ કી પ્રેસ કરતાં કર્સર ફટાક દઈને એડ્રેસ ટાઇપ કરવાના ખાનામાં પહોંચી જશે! માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે બે-ત્રણ ફાઇલ ઓપન કરીને કામ કરતા હો, ત્યારે કરન્ટ ફાઇલને બદલે બીજી ફાઇલ જોવી હોય તો Ctrl+Shift+F6 પ્રેસ કરવાથી બીજી ફાઇલ એક્ટિવેટ થશે.
  • F7: આ કીનું વિન્ડોઝમાં કોઈ ચોક્કસ ફંક્શન નથી, પણ બીજા પ્રોગ્રામ્સ છે. ભાષા સાથે તમારે પ્રેમનો સંબંધ હોય તો ઋ૭ કી તમારે ખાસ કામની છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં આ કી પ્રેસ કરીને તમે સ્પેલિંગ અને ગ્રામર ચેકિંગની વિન્ડો ઓપન કરી શકો છો. જો કોઈ શબ્દ પર કર્સર રાખીને Shift+F7 કરશો તો એ શબ્દ સિલેક્ટ થશે અને તેને સંબંધિત રિસર્ચની વિન્ડો ખૂલશે, જેમાં તમે એ શબ્દના સમાનાર્થી શબ્દો જાણી શકો છો.
  • F8: આ કી એક રીતે જોઈએ તો જાણકારો માટે રીઝર્વ્ડ છે. કમ્પ્યુટર બૂટ થતું હોય એટલે શરૂ થતું હોય ત્યારે F8 કી પ્રેસ કરીને સેફ મોડમાં જઈ શકાય છે. ત્યાં જઈને શું કરવું એ ખબર ન હોય તો આ કીથી દૂર રહેવામાં જ સેફ્ટી છે!
  • F9: આ કી F7 જેવી છે. વિન્ડોઝમાં તેનું ચોક્કસ ફંકશન નથી. જુદા જુદા પ્રોગ્રામમાં તેનો ઉપયોગ હોય છે.
  • F10: મોટા ભાગના પ્રોગ્રામમાં આ કી પ્રેસ કરીને પ્રોગ્રામનો મેનુબાર ઓપન કરી શકાય છે. જેમ કે ફાયરફોક્સના નવા વર્ઝનમાં ડાબી તરફ ડ્રોપડાઉન મેનુ ઓપન કરો ત્યારે મેનુના ઓપ્શન્સ જોવા મળે છે. F10 પ્રેસ કરીને તમે આ મેનુ સીધું જ જોઈ શકો છો. વર્ડ જેવા પ્રોગ્રામમાં કોઈ શબ્દ કે ઇમેજ સિલેક્ટ કરીને માઉસનું જમણું બટન પ્રેસ કરતાં જે મેનુ ઓપન થાય છે, તે તમે વર્ડ સિલેક્ટ કરી, Shift+F10 પ્રેસ કરીને પમ મેળવી શકો છો (જોકે માઉસની રીત ઘણી વધુ સગવડદાયક છે).
  • F11: આ કી વેબ બ્રાઉઝરમાં કામની છે. તમે કોઈ વેબપેજ જોઈ રહ્યા હો એ ફૂલ સ્ક્રીન વ્યૂમાં જોવું હોય તો આ કી પ્રેસ કરો. ફરી નોર્મલ વ્યૂમાં આવવું હોય તો? તો ફરી એ જ કી પ્રેસ કરો!
  • F12: આ કીનું પણ વિન્ડોઝમાં કોઈ ચોક્કસ ફંક્શન નથી, પણ માઇક્રોસોફ્ટ વર્ડમાં ફક્ત F12 પ્રેસ કરી, તમે ફાઇલ ‘સેવ એઝ’ કરી શકો છો. Shift+12 કરતાં ફાઇલ સેવ થશે (જોકે એથી ટૂંકો રસ્તો Ctrl+S નો છે!) પેજ પ્રિન્ટ કરવું હોય તો Ctrl+Shift+F12 કરી શકો છો (જોકે ફરી, વધુ ટૂંકો રસ્તો Ctrl+P નો છે!)

  આ વાત થઈ કીબોર્ડ પરની ફંક્શન કીના ઉપયોગની. બધું એક સાથે વાંચશો તો વાત કદાશ બહુ કડાકૂટભરી લાગશે, થશે કે આટલું બધું યાદ કેમ રાખવું? પણ તમારા રોજબરોજના કામકાજમાં આ કીનો ઉપયોગ સમજતા જશો તો કેટલાક ઉપયોગ આપોઆપ મગજમાં બેસી જશે! અચ્છા, આ સિવાય કીબોર્ડ પર પ્રિન્ટસ્ક્રીન, સ્ક્રોલ લોક, પોઝ બ્રેક વગેરે કી પણ હોય છે. એ શા માટે હોય છે? જવાબ જાતે શોધી જુઓ!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here