સાચું કહેજો, અનેક લોકોનાં મોંએ બ્લોગ કે તેમના પોતાના બ્લોગની વાતો સાંભળીને તમને પોતાને પણ બ્લોગ બનાવવાનું મન થયું છે કે નહીં? મન તો થયું હોય, પણ પહેલો સવાલ થાય કે બ્લોગ બનાવવો કેમ? થોડી માથાઝીંક કરીને બનાવી પણ નાખ્યો, પણ પછી એમાં મૂકવું શું?
આ બધા સવાલના પાયામાં મૂકી શકાય એવો હજી એક સવાલ છે – આ બ્લોગ છે શું? એક લીટીનો જવાબ એવો થાય કે બ્લોગ એટલે ઇન્ટરનેટ પરનું તમારું ઘર, જ્યાં તમે ઇચ્છા પડે તે બધું – લખાણ, ફોટોગ્રાફ, વીડિયો, ઓડિયો વગેરે મૂકી શકો. ઈમેઇલની જેમ અહીં તમને એક ચોક્કસ એડ્રેસ મળે, મિત્રો સાથે એ શેર કરો એટલે સૌ ઇચ્છા પડે ત્યારે તમારા બ્લોગ પર પધારીને તમે મૂકેલી સામગ્રી જોઈ, માણી શકે અને તેના વિશે પોતાના અભિપ્રાય પણ આપી શકે.