‘‘હિમાંશુભાઈ, આ સ્માર્ટફોનનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ શીખવે એવી કોઈ બુક લખો. મારા જ ઘરમાં નવી જનરેશન અમને આ બાબતે સાવ ઢ સમજે છે અને એ ક્યારેક બહુ એમ્બરેસિંગ લાગે છે…’’
દસેક વર્ષ પહેલાં એક બુકફેરમાં, લગભગ મારાં મમ્મીની ઉંમરનાં એક બહેને લગભગ આ જ શબ્દોમાં મારી આગળ એમનો ઉભરો ઠાલવ્યો હતો.
કદાચ તમે પણ આવું જ કંઈક ફીલ કરતા હશો.
આજની યંગ જનરેશનને ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ આવડે છે – અથવા એ લોકો સાથે તમે પણ એવું માનો છો – ને એમની પાસે એ બધું તમને શીખવવાનો ટાઇમ કે પેશન્સ કે પેશન નથી.
પણ પ્રોબ્લેમ એ નથી કે આજની જનરેશન પાસે તમને આ બધું શીખવવાનો સમય નથી. ખરો પ્રોબ્લેમ એ છે કે તમે પોતે એવું માનો છો કે નવી જનરેશન સ્માર્ટ છે અને તમે નથી.
તમને શું લાગે છે, વોટ્સએપ પર કંઈ પણ ધડાધડ શેર કરતાં આવડે એ સ્માર્ટનેસ છે? એ તો હવે પણ કરો છો.
અથવા, એમને ઇન્સ્ટા પર રીલ કે સ્ટોરીઝ શેર કરતાં આવડે છે, એમને સ્માર્ટફોનનાં સેટિંગ્સ ફટાફટ બદલતાં આવડે છે ને તમને નથી આવડતું એટલે એ વધુ સ્માર્ટ છે એવું તમે માનો છો?
પ્રોબ્લેમ આ છે. ચોક્કસ સારા અપવાદો હશે, પણ આજની જનરેશનમાં મોટા ભાગના લોકોને સ્માર્ટફોનને યૂઝ કરતાં આવડે છે, પણ એનો સાચી રીતે, સ્માર્ટ રીતે લાભ લેતાં આવડતું નથી.
યૂઝર કરતાં આવડે એનો અર્થ એ નથી કે તેમને આ સાધનોનો સાચો ઉપયોગ આવડે છે.
તમારા ઘરમાં સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ્સ હોય તો એમને ક્યારેક પૂછી જોજો કે એ પોતાનાં ડેઇલી, વિક્લી કે મંથલી ટાસ્ક્સ મેનેજ કરવા માટે કોઈ સારી ટુ-ડુ એપનો ઉપયોગ કરે છે? પોતાના પ્રોજેક્ટનો પ્રોગ્રેસ ટ્રેક કરવા માટે એ કાનબાન કન્સેપ્ટ’નો ઉપયોગ કરે છે?
એ સૌ પોતાના હોમવર્ક કે પ્રોજેક્ટની ડીટેઇલ્સ શેર કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હશે, પણ ટીમવર્કમાં કામ કરવાનું હોય ત્યારે ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવમાં શેર્ડ એક ફાઇલમાં, એક સાથે કામ કરે છે?
ગૂગલમાં જે કંઈ સર્ફ કરતા હોય એમાં જે કંઈ કામનું લાગે એ સાચવી લેવા માટે વનનોટ કે ગૂગલ કીપ કે નોશન કે ઓબ્સિડિયન જેવી ડિજિટલ નોટ કીપિંગ સર્વિસ કે પર્સનલ નોલેજ મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરે છે?
તમારા માટે આ બધી નવી વાત હશે, પણ ઘણા ખરા યંગસ્ટર્સ પણ આ બધું જાણતા નથી. અને તમે, વડીલો, આજની જનરેશનને સ્માર્ટ માનો છો!
એમણે આજની સ્માર્ટફોનની દુનિયા જોઈ છે, તો તમે સાચેસાચી દુનિયા, એમના કરતાં વધુ જોઈ-અનુભવી છે. તમે કોઈ બિઝનેસ, પ્રોફેશન કે જોબમાં ૩૦-૪૦ વર્ષ આપ્યાં છે. ગૃહિણી હો તો પણ, આજની સ્માર્ટ લાગતી જનરેશનને તમે ઉછેરી છે એ ઓછી સ્માર્ટનેસવાળું કામ છે?
તો પ્રોબ્લેમ આ છે – નવી જનરેશનમાં ગુરુતાગ્રંથિ છે અને વડીલોમાં લઘુતાગ્રંથિ છે. બંને ખોટાં છે. એટલે જ બંનેને બ્રિજ કરવાની જરૂર છે. નવી જનરેશન બેશક ઘણું વધુ જાણે છે, ને તમારી પાસે અનુભવ છે, સમજણ છે. એ બંનેને નજીક લાવવાની કોશિશ તો કરી જુઓ! એ જ ખરી સ્માર્ટનેસ છે!
આ અંકની કવરસ્ટોરીમાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટની વાત એકડેએકથી કરી છે, એમાં કંઈક એવો જ પ્રયાસ છે.
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)