ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વિકાસ સાથે, રોજિંદા જીવનની લગભગ દરેક બાબતમાં ‘એગ્રિગેટર એપ્સ’ આવી ગઈ છે, જે એકમેકની જરૂર ધરાવતા બે લોકોનો મેળાપ કરાવી આવે છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ આવી સુવિધા મળી ગઈ છે અને આંગળીના ઇશારે ટુ-વ્હીલર, રીક્ષા અને કાર બોલાવી શકાય એવી સંખ્યાબંધ સર્વિસ વિવિધ શહેરોમાં શરૂ થઈ ગઈ છે.
કમનસીબે, આવી સર્વિસ શરૂ થઈ એ સમયથી તેમાં પેસેન્જર્સ, ખાસ કરીને મહિલા પેસેન્જરની સલામતી વિશે સતત ચિંતા રહે એવા બનાવો બનતા રહ્યા છે. આવી એપ્સમાં સેફ્ટી ફીચર્સ સતત ઉમેરાતાં રહે છે (જેની આપણે આગળ વાત કરી), પોલીસ પોતાની રીતે પણ આ બાબતે સતર્કતા વધારી રહી છે. તેમ છતાં, વિવિધ સર્વેક્ષણ બતાવે છે કે પેસેન્જર તરીકે આપણે પણ આ બાબતે પૂરતી સભાનતા દર્શાવતા નથી.
એ ધ્યાનમાં રાખીને, આ ઇન્ડસ્ટ્રીના અનુભવી લોકો ખાસ કરીને મહિલાઓને જે ભલામણો કરે છે તેના પર એક નજર નાખીએ.
પહેલેથી આયોજન કરી, રાત્રે મુસાફરી ટાળીએ
જ્યારે નિર્ણય તમારા હાથમાં હોય અને તમે અજાણ્યા શહેરમાં હો ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં એપ-કેબ વધુ સલામત હોવા છતાં, તેમાં પણ રાત્રે મુસાફરી ટાળો. એરપોર્ટ/રેલવે સ્ટેશન પર રાત્રે ઉતરો તો સવાર સુધી ત્યાં જ રોકાઈ જવું બહેતર છે. ક્યારેક ડરના જરૂરી હોતા હૈ!
ટેક્સીમાં બેસતાં જ ટ્રિપની વિગતો અચૂક શેર કરીએ
એપ-કેબના આ સિક્યોરિટી ફીચર તરફ મોટા ભાગના લોકો ધ્યાન આપતા નથી. ‘કંઈ થઈ જવાનું નથી’ એવું વિચારવાને બદલે, ‘કંઈ પણ થઈ શકે છે’ એવું વિચારી, પરિવાર સાથે ટ્રિપની વિગતો શેર કરો. જોકે વિના કારણ ડર બતાવવાની પણ જરૂર નથી – ડ્રાઇવરને તો નહીં જ.
શક્ય હોય ત્યાં સુધી કોઈની હાજરીમાં ટેક્સીમાં બેસીએ
કંપનીમાંથી મોડી સાંજે કે રાત્રે ઘરે જવા માટે એપ-કેબ બોલાવવી પડે, તો કેબને કંપનીના કમ્પાઉન્ડની અંદર બોલાવી, કંપનીના સિક્યોરિટી ગાર્ડ કે અન્ય કર્મચારીની હાજરીમાં ટેક્સીમાં બેસવાનો આગ્રહ રાખો. ટ્રિપ પૂરી થતાં તેમને જાણ કરવાની ટેવ પણ સારી છે.
ટેક્સીમાં પાછલી સીટમાં બેસતી વખતે ચાઇલ્ડ લોક તપાસીએ
ટેક્સીમાં એકલા મુસાફરી કરવાની હોય ત્યારે પાછલી સીટમાં બેસો અને ડોર્સનાં ચાઇલ્ડ લોક એક્ટિવેટેડ નથી એ પણ ચેક કરી લો, ડોર તમે અંદરથી ખોલી શકવા જોઈએ. ડ્રાઇવર તેના મિરરમાં સતત તમારી સામે જુએ છે કે કેમ એ બાબતે પણ સતર્ક કરો.
ડ્રાઇવરને કોલ કરવાનું ટાળીએ, પોતાની વિગતો ન આપીએ
દરેક એપ-કેબ સર્વિસ કહે છે કે પેસેન્જર તરીકે તમારે ડ્રાઇવરને પોતાની કોઈ વિગતો આપવાની જરૂર નથી. ટેક્સીને આવતાં મોડું થાય તો પણ તેને કોલ કરવાનું ટાળો. સારી એપ, આપણી કોન્ટેક્ટ્સ ડિટેઇલ્સ આપ્યા વિના ડ્રાઇવર સાથે ચેટ કરવાની સગવડ આપતી હોય છે, તેનો લાભ લઈ શકાય.
ડ્રાઇવર ટૂંકો રસ્તો સૂચવે તો પણ મેપના રસ્તાનો આગ્રહ રાખીએ
આ બાબત જેટલી રાત્રે મહત્ત્વની છે એટલી જ દિવસે પણ મહત્ત્વની છે. એપમાં મેપ પર તમારી ટ્રિપનો જે રુટ દર્શાવવામાં આવ્યો હોય, એ જ પકડી રાખવાનો આગ્રહ રાખો. ડ્રાઇવર વધુ ટ્રાફિક કે રસ્તાના રિપેરિંગ જેવા કોઈ કારણે રૂટ બદલવા કહે તો માનશો નહીં. એપમાં મેપ પર તમારી ટ્રિપનો રૂટ તપાસતા રહો.
ફોન પૂરેપૂરો ચાર્જ્ડ રાખો, જરૂર પડ્યે પાવરબેન્ક રાખીએ
ટેક્સીમાં મુસાફરી સમયે અણધાર્યા સંજોગમાં મદદ મેળવવા માટે ફોન એક માત્ર આધાર હોય છે. ફોન ડિસ્ચાર્જ થઈ જશે તો એપનાં કોઈ સેફ્ટી ફીચર કામ લાગશે નહીં અને તમે અન્ય રીતે પણ કોઈની મદદ મેળવી શકશો નહીં. વારંવાર એપ-કેબમાં મુસાફરી થતી હોય તો પાવરબેન્ક વસાવી લેવી સારી!
ટ્રિપ પૂરી થયા પછી સાચો ફીડબેક આપવા તરફ ધ્યાન આપીએ
પેસેન્જર્સ ટ્રિપ પૂરી થયા પછી, જ્યારે ડ્રાઇવર વિશે ફીડબેક માગવામાં આવે ત્યારે ઉતાવળે ફાઇવ સ્ટાર આપી દેતા હોય છે. એમ કરવાને બદલે તમારો સાચો ફીડબેક આપો. એ અન્ય પેસેન્જરને, કંપનીને અને ડ્રાઇવરને પણ ઉપયોગી થશે. ફીડબેક ખરેખર એ હેતુ માટે તો હોય છે!
અન્ય લેખ વાંચવા માટે લોગ-ઇન કરો