આપણી આખી જિંદગી હવે ડેટાની આપલેમાં વીતવા લાગી છે. મોટા ભાગે પોતાના સ્માર્ટફોનમાં આપણે વ્યાપકપણે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. આ ડેટા એટલે વોટ્સએપ પર આવતા મેસેજિસ, ફેસબુક પર ફ્રેન્ડઝની પોસ્ટ, યુટ્યૂબના વીડિયો, મનગમતી ગેમ્સ કે સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગ માટે ગંભીર હોઇએ તો ઇમેઇલ, ક્લાઉડમાંની આપણા કામકાજની ફાઇલ્સ વગેરે.
જેટલા પ્રમાણમાં આપણે ઇન્ટરનેટ પરથી ડેટા મેળવીએ છીએ એટલો બધો નહીં, પરંતુ વધતા ઓછા પ્રમાણમાં વળતો ડેટા પણ આપણે ઇન્ટરનેટને આપીએ છીએ. આ ડેટા એટલે આપણું નામ, જન્મ તારીખ, ઇમેઇલ એડ્રેસ, ઘર અને ઓફિસનાં સરનામાં વગેરે અને એ ઉપરાંત અનેક બાબતોની આપણી પસંદ-નાપસંદ, આપણે રોજે રોજ ક્યાં જઇએ છીએ, કોને મળીએ છીએ તેનો ડેટા, ઇન્ટરનેટ પર શું સર્ફ કરીએ છીએ, શું સર્ચ કરીએ છીએ, શું ખરીદીએ છીએ, શું ખરીદવા માગીએ છીએ વગેરે ડેટા!
પાકા ગુજરાતી તરીકે આપણને મળી રહેલા ડેટા માટે આપણને વાંધો નથી હોતો. પરંતુ આપણે જે ડેટા આપી રહ્યા છીએ એ બાબતે આપણે ચોક્કસપણે સજાગ હોવા જોઇએ. કમનસીબે અહીં આપણું ગુજરાતીપણું ઓછં પડે છે. આશ્વાસન ફક્ત એ વાતનું કે ફક્ત ગુજરાતીઓ નહીં, દુનિયાભરના તમામ લોકો ઇન્ટરનેટ પર પોતાનો ડેટા આપતી વખતે જોઇએ તેટલા સજાગ હોતા નથી!
આપણે ઇન્ટરનેટ પર જાણી-અજાણી, વિશ્વાસપાત્ર લાગતી કે જેના વિશે કંઈ ન જાણતા હોઇએ તેવી કંપનીઓને આપણા વિશે પાર વગરની માહિતી આપીએ છીએ. એવું માનીને કે આ કંપનીઓ આપણા ડેટાને યોગ્ય રીતે, સલામત રીતે સાચવશે. પરંતુ ઘણા કિસ્સામાં એવું થતું નથી.
સાદું ઉદાહરણ લઇએ તો આપણે કોઈ ઇન્ટરનેટ સાઇટ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને તેમાં કોઈ પાસવર્ડ નક્કી કરીએ તો એ પાસવર્ડ ‘હેશ્ડ’ ફોર્મેટમાં સેવ થવો જોઈએ. એનો અર્થ એ થયો કે એ સાઇટ પર આપણે જે પાસવર્ડ નક્કી કરીએ તે એ સાઇટના સંચાલકો પણ જાણી શકે નહીં. તેમ છતાં ફેસબુક, યાહૂ જેવી અત્યંત વિરાટ કંપનીઓ પણ ઘણી વાર પોતાના યૂઝર્સના પાસવર્ડ જેવો સંવેદનશીલ ડેટા પણ હેશ્ડ પ્રકારના સલામત ફોર્મેટને બદલે પ્લેઇન ટેકસ્ટમાં સેવ કરતી હોવાનું બહાર આવ્યું છે.
બીજી તરફ ઇન્ટરનેટ પર હેકર્સની એક બહુ મોટી જમાત ઠેકઠેકાણે, દિવસ રાત ‘પોલું’ શોધવાની મથામણમાં હોય છે. ઇન્ટરનેટ કંપનીની લાપરવાહીને કારણે, અથવા તો એ સજાગ હોય તેમ છતાં હેકર્સ વધુ સ્માર્ટ સાબિત થાય તો, તેઓ આવી કંપનીના નેટવર્ક કે સર્વસમાં ઘૂસવામાં સફળ રહે છે. જો આપણો ડેટા પ્લેઇન ટેકસ્ટમાં મળી જાય તો હેકર્સને દલ્લો મળી જાય!
સૌથી મોટી તકલીફ એ છે કે હેકર જુદી જુદી સાઇટ પરથી મળેલા જુદા જુદા ડેટાને એકમેક સાથે સાંકળી પણ શકે છે. આવું થાય ત્યારે તે વાત આપણે માટે બહુ જોખમી બની જાય.
સામાન્ય રીતે આપણે ફેસબુક, વોટ્સએપ, ગૂગલ, ઝોમેટો જેવી વિવિધ ટેક કંપનીના યૂઝર્સનો ડેટા ચોરાયો એવા સમાચાર વાંચીએ ત્યારે તેને બહુ ગંભીરતાથી લેતા નથી. પરંતુ તેનાથી આપણે શું નુકસાન થઈ શકે છે એ સમજવું જરૂરી છે.
આ અંકમાં તેની જ વિગતવાર આલેખી છે. તેની સાથોસાથ આ જ અંકમાં વોટ્સએપથી ફ્રોડના બે કિસ્સાની વાત કરી છે એના તરફ પણ ધ્યાન આપવા જેવું છે.
આશા છે આખી વાત તમને ઉપયોગી થશે.
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)