ફોટોગ્રાફ સાથેની રમત તો જૂની છે, પણ હવે કમ્પ્યુટર વિઝન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી ફોટોગ્રાફીના બધા જ એંગલ બદલાઈ રહ્યા છે!
આગળ શું વાંચશો?
- કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી શું છે?
- ગૂગલ ફોટોઝમાં શું શું શક્ય છે?
આ અંકમાંના, જૂના ફોટોગ્રાફ્સને સ્કેન કરવા અંગેના લેખમાં, ફોટોસ્કેન એપ પ્રિન્ટ ફોટોગ્રાફમાં દેખાતાં અજવાળાનાં ધાબાં કેવી રીતે દૂર કરતી હશે, એવો તમને સવાલ થયો? તો તમે ‘સાયબરસફર’ના ખરા વાચક!
આ કરામત ‘કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી’ નામની સતત વિકસતી નવી ટેક્નોલોજીની મદદથી થાય છે.
અગાઉ ફોટોશોપ જેવા સોફ્ટવેરના થોડા ઘણા જાણકાર લોકો અમિતાભ બચન કે બરાક ઓબામાના અને પોતાના ફોટોગ્રાફ્માંથી કોઈ એકનું બેકગ્રાઉન્ડ દૂર કરી, બંને ફોટો મર્જ કરીને તેમની ‘દોસ્તી’ દર્શાવતા ફોટો બનાવતા હતા, હવે આ પ્રકારની ચાલાકી કમ્પ્યુટર સોફ્ટવેર કરે છે, આપણને ઘણી રીતે ઉપયોગી થાય તે રીતે.
આમ જુઓ તો વાત સાવ સાદી છે – તમે પોતે ફોટોસ્કેન એપનો ઉપયોગ કરશો ત્યારે જોશો કે પ્રિન્ટ ફોટો સ્કેન કરતી વખતે, આ એપ આપણી પાસે કોઈ ગેમની જેમ, ખાલી અને ભરેલાં વર્તુળને એકમેક પર ગોઠવવાની કસરત કરાવે છે. વાસ્તવમાં, જેટલી વાર આ વર્તુળો મેચ થાય છે ત્યારે એપ તેને જે કંઈ દેખાય છે, તેનો, એ જ સ્થિતિમાં ફોટોગ્રાફ લે છે. આ જુદા જુદા ફોટોગ્રાફમાં, જુદી જુદી જગ્યાએ અજવાળાનાં ધાબાં પણ કેપ્ચર થયાં હોય છે.
કરામત હવે જ શરૂ થાય છે.
દેખીતું છે કે આ બધા ફોટોગ્રાફમાં કેટલોક ભાગ એકબીજા પર ઓવરલેપ થતો હોય છે. એપ પાછળનું ભેજું, એટલે કે સોફ્ટવેર ઓવરલેપ થતા ભાગોમાંથી જે ભાગમાં અજવાળાનું ધાબું દેખાતું હોય તે ભાગોને અલગ તારવે છે (અથવા ધાબાવાળા ભાગ દૂર કરે છે), ફોટોગ્રાફના બાકી રહેતા, ધાબા વિનાના બધા ભાગનો એકમેક સાથે તાળો મેળવે છે અને પછી એ રીતે પસંદ કરેલા બધા ભાગને એકમેક સાથે જોડીને ફરી એક ફોટોગ્રાફ તૈયાર કરે છે, જેમાં ક્યાંય અજવાળાનું ધાબું હોતું નથી!
વાત થોડી ગૂંચવણભરી લાગી? જુદી રીતે વિચારીએ.
ધારો કે છ-સાત લોકોના એક ફેમિલીનો ગ્રૂપ ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યો છે. ફોટોગ્રાફર ‘સ્માઇલ પ્લીઝ’ કહીને ફોટોગ્રાફ લે છે, તોય એક-બે જણાના ચહેરા પર બરાબર ક્લિક સમયે સ્મિત નથી રેલાતું, તો બીજા એક-બે જણા બીજી તરફ જોતાં ઝડપાઈ જાય છે. સામાન્ય સ્થિતિમાં, ફોટોગ્રાફ એક જ સ્થિતિમાં બે-ત્રણ ક્લિક કરે અને પછી, તેમાંથી જે ફોટોગ્રાફમાં વધુમાં વધુ લોકો ‘બરાબર’ આવે તેને ફાઇનલ ગણી લેવામાં આવે.
કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીમાં વાત અહીંથી આગળ વધે છે. તેમાં, પણ એક જ ગ્રૂપના ત્રણ-ચાર ફોટોગ્રાફ તો લેવામાં જ આવે છે, પણ પછી કમ્પ્યુટરનું સોફ્ટવેર પોતાની કરામત શરૂ કરે છે.
તે આ બધા ફોટોગ્રાફને એકમેક પર ઓવરલેપ કરે છે. એક ફોટોગ્રાફમાં જે વ્યક્તિના ચહેરા પર સ્મિત ન હોય એ વ્યક્તિ બીજા ફોટોમાં સ્મિત કરતી હોય એવું બની શકે. સોફ્ટવેર આવી રીતે, ગ્રૂપમાંની દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત હોય અને દરેક વ્યક્તિની નજર કેમેરા સામે જ હોય એવા ભાગ અલગ તારવે છે અને એ બધા ભાગને ફરી એકબીજા સાથે પરફેક્ટ રીતે મેચ કરીને એવો ગ્રૂપ ફોટો બનાવી આપે છે, જે બધી રીતે પરફેક્ટ હોય!
આ છે નવી કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી, જેમાં કેમેરાના હાર્ડવેર, લેન્સ/ઓપ્ટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, ઇમેજ પ્રોસેસિંગ અને કમ્પ્યુટર વિઝન અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે પોતપોતાનો ભાગ ભજવે છે.
મજા એ છે કે તેનો લાભ લેવા માટે આપણે પોતે ખાસ કશું કરવાનું હોતું નથી, ગૂગલ ફોટોઝ જેવા સર્વિસમાં આ બધું આપોઆપ થાય છે!