બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે… આ બધું તરત ને તરત સાચવી લેવું હોય અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ.
કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો. સાંજે તમે દીકરીની બર્થ-ડે પાર્ટી રાખી છે અને ઓફિસેથી ઘરે પહોંચતાં પહેલાં, પોતપોતાની ઓફિસની નજીકના મોલમાં જઈને અને ત્યાર પછી બીજી બે-ચાર શોપ ફરીને તમારે કેટલીય વસ્તુની ખરીદી કરવાની છે. તમે ખરીદવાની ચીજવસ્તુઓનું લિસ્ટ તો બનાવી લીધું છે, પણ તકલીફ એ છે કે બંનેની ઓફિસ અલગ અલગ જગ્યાએ છે અને તમારે ખરીદી અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએથી કરવાની છે!
કઈ વસ્તુ કોણે ખરીદી લીધી અને કઈ વસ્તુ બાકી છે એ કેમ કમ્યુનિકેટ કરશો?
તમે મેનેજમેન્ટમાં ભલે એમબીએ કર્યું હોય અને ખરીદવાની ચીજવસ્તુઓ બંને વચ્ચે પહેલેથી બરાબર વહેંચી લીધી હોય, પણ લાસ્ટ મોમેન્ટ ઇમરજન્સી કેવી રીતે મેનેજ કરશો? પત્નીના લિસ્ટમાં રીટર્ન ગિફ્ટસ લખી હોય અને એ એમને ન મળે તો? આવું તો કેટલીય વસ્તુઓમાં બને અને કેટલી વાર તમે એકબીજાને ફોન કે વોટ્સએપ કર્યા કરશો?
આવે સમયે આપણને જરૂર હોય છે કોઈ સિમ્પલ સોલ્યુશનની, જે આપણું સ્ટ્રેસ લેવલ વધાર્યા વિના, બધી ખરીદી યોગ્ય રીતે પતાવીને પાર્ટી એન્જોય કરવાનો મૂડ પણ જાળવી રાખે.
આવી એક ખરેખર સિમ્પલ એપ છે ગૂગલ કીપ (http://www.google.com/keep/), જે વેબ પર, ક્રોમ એક્સટેન્શન સ્વરૂપે અને એન્ડ્રોઇડ એપ તરીકે ઉપલબ્ધ છે (વિન્ડોઝ અને આઇઓએસમાં તેની ઓફિશિયલ નહીં, પણ વર્કએરાઉન્ડ એપ ઉપલબ્ધ છે).
આ ગૂગલ કીપ શું છે એ સમજવા માટે આપણે આગલું ઉદાહરણ જ આગળ ધપાવીએ.