ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું?
આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ ચોક્કસ રસપ્રદ લાગ્યા હશે.
મોટા ભાગના લોકોએ વિન્ડોઝ એક્સપીનો વર્ષો સુધી ઉપયોગ કર્યો છે. એ પછી, વિન્ડોઝ વિસ્ટા ઓપરેટિંગ સિસ્ટમ આવી, પણ મોટા ભાગના સર્વિસ એન્જિનીયર તેના બદલે વિન્ડોઝ એક્સપીનો જ ઉપયોગ કરવાની સલાહ આપતા હતા. એ પછી વિન્ડોઝ ૭ વર્ઝન આવ્યું અને એ ખાસ્સું લોકપ્રિય બન્યું. ત્યાં વળી વિન્ડોઝ ૮ વર્ઝન આવ્યું.
વિન્ડોઝ ૭ અને ૮ વચ્ચેના ગાળામાં મોબાઇલ / ટેબલેટ કમ્પ્યુટિંગનો જુવાળ આવ્યો હતો એટલે માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ધરમૂળથી પરિવર્તન કર્યાં અને સ્માર્ટફોન કે ટેબલેટથી જેમ પીસી કે લેપટોપના સ્ક્રીન પર પણ ટચ કરીને આપણે કમ્પ્યુટરને ઓપરેટ કરી શકીએ એવી વ્યવસ્થા વિકસાવી. પરંતુ રોજિંદા પીસી અને મોબાઇલ વચ્ચેની ભેળસેળ જેવી આ વ્યવસ્થા મોટા ભાગના લોકોને માફક ન આવી. એમાંય વિન્ડોઝ ૮માં તો હંમેશા હાથવગું રહેતું સ્ટાર્ટ બટન જ ગાયબ થઈ ગયું એટલે લોકોની પરેશાની ઓર વધી. હવે વિન્ડોઝ ૧૦માં આ બધી મુશ્કેલીઓ સુધારી લેવામાં આવી છે.
અલબત્ત, વિન્ડોઝ ૧૦ આપણા પીસી સુધી આવે ત્યાં સુધી પૂછવા જેવો એક સવાલ એ છે કે અત્યારે જેનો ઉપયોગ કરી રહ્યા છો, એ વિન્ડોઝ ૭ની બધી ખૂબીઓથી તમે પરિચિત છો ખરા?
રોજબરોજનું કમ્પ્યુટિંગ જરા વધુ સરળ બનાવતી આ ખૂબીઓ અહીં ફટાફટ જાણી લઈએ…