વર્ષ 1912, એપ્રિલ મહિનાની દસમી તારીખ. સવારના સાડા નવ વાગ્યાથી, ટાઇટેનિક જહાજન પહેલા પ્રવાસમાં જોડાયેલા પ્રવાસીઓએ જહાજ પર ચઢવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે શીપમાં પગ મૂકતાં ખચકાતી એક મહિલા પ્રવાસીને, ટાઇનેટિકના કોઈ અજાણ્યા ખલાસીએ એવું કહ્યું હોવાનું કહેવાય છે કે “ચિંતા ના કરો, ખુદ ઉપરવાળો પર આ જહાજને ડૂબાડી શકે તેમ નથી!
ટાઇટેનિક એવી ખૂબીઓ સાથે બાંધવામાં આવ્યું હતું કે એ ‘ધ અનસિંકેબલ’ – કદી ડૂબી ન શકે એવું જહાજ મનાતું હતું. એનું પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ.
અત્યારે કોઈ આપણને એમ કહે કે ગૂગલ સર્ચનું ભાવિ ડામાડોળ છે, તો આપણો પ્રતિભાવ એવો જ હોય – અનથિંકેબલ! એવું તો વિચારી જ ક્યાંથી શકાય?
ટાઇટેનિક જહાજે તો એની પહેલી મુસાફરીના ચાર જ દિવસમાં જળસમાધિ લીધી હતી, પણ ગૂગલ સર્ચે તો દિવસોદિવસ પોતાની સ્થિતિ વધુ ને વધુ મજબૂત કરી છે. વીસ વર્ષ પહેલાં, 1995માં પહેલી વાર મળેલા લેરી પેજ અને સર્ગેઇ બ્રાઈને પહેલાં ‘બેકરબ’ નામનું સર્ચ એન્જિન બનાવ્યું, જેણે આગળ જતાં ગૂગલ સર્ચનું સ્વરૂપ લઈને આખી દુનિયાને ઘેલું લગાડ્યું. ગૂગલના સ્થાપકોએ પોતાની સર્ચ એન્જિન કંપની માટે ગૂગલ નામ પસંદ કર્યું, તે મૂળ ગાણિતિક શબ્દ ‘googo’ પરથી લીધું, જે 1ની પાછળ 100 શૂન્યથી બનતી સંખ્યા માટે વપરાય છે. આ નામ પસંદ કરવા પાછળનું ગણિત એવું હતું કે લેરી પેજ અને સર્ગેઇ બ્રાઈન આ સંખ્યાની જેમ, અનંત લાગતી વેબ પરની માહિતીને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માગતા હતા.
એમણે આ કામ જબરજસ્ત રીતે કરી પણ બતાવ્યું, એટલી અસરકારક રીતે કે સર્ચિંગ માટે ‘ગૂગલિંગ’ જેવો નવો શબ્દ જ જન્મ્યો.
પીસી કે લેપટોપમાં બ્રાઉઝર ઓપન કરી, વર્લ્ડ વાઇડ વેબમાંથી કોઈ પણ માહિતી શોધવા માટે આપણી આંગળી આપોઆપ જેના તરફ વળે છે, એ ગૂગલ સર્ચ એન્જિનનું ભાવિ ડામાડોળ છે એવી કલ્પના પણ આપણે કરી ન શકીએ. પરંતુ, હકીકત એ છે કે ખુદ ગૂગલના સંચાલકોને આવું લાગે છે!
કારણ? કારણ ઉપલા ફકરાના પહેલા વાક્યમાં જ છે – પીસી અને લેપટોપ પર સર્ચ કરવા આપણે ગૂગલિંગ કરીએ એ ખરું, પણ હવે પીસી કે લેપટોપ પર સર્ચ કરે છે કેટલા લોકો? આખી દુનિયા તો મોબાઇલ ડિવાઇસીઝ પર વળી રહી છે.
દુનિયાના 3 અબજ લોકોને ઇન્ટરનેટ પર સક્રિય થતાં 40 વર્ષ જેટલો સમય લાગ્યો, પણ હવે નવા 3 અબજ લોકો આવતાં દસ જ વર્ષમાં ઇન્ટરનેટ પર સક્રિય થઈ જવાની ધારણા છે અને એમાં સિંહફાળો સ્માર્ટફોન અને ટેબલેટનો જ હશે.
તમારો જ દાખલો લો. જો તમારી પાસે પીસી અને સ્માર્ટફોન બંને હોય (બંને ન હોય એવા કેટલા લોકો હશે?) તો તમે કયા સાધન પર વધુ સર્ફિંગ કરો છો? હવે લગભગ આખી દુનિયાના લોકો કામ પીસી અને લેપટોપ પર કરે છે, પણ સર્ફિંગ મોબાઇલ ડિવાઇસીઝ પર કરે છે. ભારત, બ્રાઝિલ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં છેક હવે જે લોકો નેટના પરિચયમાં આવી રહ્યા છે, એ બધા લગભગ પહેલાં મોબાઇલ પર જ નેટ પર સક્રિય થઈ રહ્યા છે. એ લોકો પીસીનો ઉપયોગ જ ન કરતા હોય એવું બની શકે છે. બીજી તરફ, વિકસિત દેશોમાં મોબાઇલ કે ટેબલેટ એટલાં પાવરફૂલ થતાં જાય છે કે તેના પર કમ્પ્યુટર પર થઈ શકતું બધું કામ થઈ શકે છે – બધાએ કમ્પ્યુટરનો જ ઉપયોગ કરવો પડે એવું રહ્યું નથી!
જોકે ગૂગલ એમ સહેલાઈથી ડૂબે તેમ નથી. ગયા મહિને ગૂગલે કરેલી એક જાહેરાતથી, પીસી કે મોબાઇલ પર સર્ચનું આખું ચિત્ર ફરી બદલાઈ શકે છે. આવો આખી વાત જાણીએ…
આગળ શું વાંચશો?
- ઇન્ટરનેટની બદલાતી તાસીર
- ફેસબુકમાં સર્ચનો વિસ્તાર
- ગૂગલ અને ફેસબુકે હાથ મેળવ્યા
- આખું ચિત્ર નવેસરથી બદલવાની ગૂગલની તૈયારી
- સર્ચમાં નવી ઊંચાઈ