‘‘રોજેરોજ તમારી પરીક્ષા લેવાશે. ફક્ત સ્કૂલમાં નહીં, રેસ્ટોરાંંમાં, કોઈ પારિવારિક પ્રસંગે કે મંદિરના આંગણમાં પણ. ફક્ત નોકરી માટેનો ઇન્ટરવ્યુ આપતા હશો ત્યારે નહીં, ક્રિકેટ મેચ જોતા હશો કે ફેસબુક, ટ્વીટર પર કંઈક લખતા હશો ત્યારે પણ તમારી પરીક્ષા લેવાતી રહેશે. રોજરોજ જાતભાતની પરીક્ષા આપણું પાણી માપતી રહે છે. આપણે કોઈના દોરવાયા દોરવાઈ જઇએ છીએ? કે પછી જુદી જુદી બાબતોને પોતાની રીતે તપાસી અને સમજી શકીએ છીએ? આપણે સ્માર્ટફોનમાં ખુલી આંખે આંધળું સ્ક્રોલિંગ કરતા રહીએ છીએ કે પછી ખરેખર નવી દુનિયાના ઇનફોર્મ્ડ, પ્રોડક્ટિવ સિટિઝન બની રહ્યા છીએ? આ પરીક્ષા આખી જિંદગી ચાલતી રહેવાની છે. આ પરીક્ષાનાં પરિણામો પર આપણી આખી જિંદગીના અસંખ્ય નિર્ણયોનો આધાર છે અને એ જ બધું છેવટે આપણી જિંદગીનું ઘડતર કરશે…’’
આ અંકની કવર સ્ટોરીમાં યુટ્યૂબની જે પંદર ચેનલ્સની વાત કરી છે એમાં મોટા ભાગની ચેનલમાં અબાઉટ સેકશનમાં માંડ એકાદ વાક્ય જોવા મળે છે, પરંતુ એક ચેનલ પર ઉપરના લખાણ જેવા વિચારો વાંચવા મળ્યા. એનું ઊંડાણ સમજવા પહેલો ફકરો ફરી વાંચી જવાની ભલામણ!
હવે ખરેખર એવી સ્થિતિ આવી ગઈ છે કે આપણું ભવિષ્ય પૂરેપૂરું આપણા હાથમાં છે – ખરેખરા શાબ્દિક અર્થમાં. સ્માર્ટફોનને પરિણામે દુનિયા આખી આપણી હથેળીમાં સમાઈ ગઈ છે.
અગત્યનું એ છે કે આપણે તેનો ઉપયોગ કેવો કરીએ છીએ.
કવર સ્ટોરીના પ્રારંભમાં તમે વાંચશો તેમ ગયા વર્ષે કોરોના મહામારીને પગલે લગભગ આખી દુનિયા થંભી ગઈ અને સૌ પોતપોતાનાં ઘરોમાં પૂરાયા ત્યારે એક વર્ષમાં યુટ્યૂબ પર ૧૦૦ અબજ કલાકના ગેમિંગ વીડિયો જોવાયા! આ તો માત્ર ગેમિંગના વીડિયોની વાત છે. મૂળ ગેમ્સ રમવામાં કેટલો સમય પસાર થયો હશે એ જુદો વિષય છે. બે ઘડી ગમ્મત માટે વીડિયો ગેમ્સ રમવામાં કે ગેમિંગ વીડિયો જોવામાં કશું ખોટું નથી. પરંતુ એ આપણી આખા દિવસની મુખ્ય પ્રવૃત્તિ બની જાય તો વાત ચોક્કસ ચિંતાજનક બને.
હમણાં એપલના સીઇઓ ટીમ કૂકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ ઇચ્છે છે કે એપલના આઇફોનનો ઉપયોગ લોકો ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી માટે કરે, નહીં કે માઇન્ડલેસ, એન્ડલેસ સ્ક્રોલિંગ માટે. તેમના આ શબ્દો તરફ બહુ ધ્યાન આપવા જેવું છે.
વાતને બીજી રીતે જોઇએ. આવતાં પાંચ વર્ષ પછી તમે કે તમારું સંતાન જીવનમાં કેવા મુકામે પહોંચ્યા હશો એ જાણવું હોય તો અત્યારે સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપ ઓપન કરો અને જુઓ કે તમને કેવા વીડિયો દેખાય છે? યુટ્યૂબ આપણી ઇન્ટેલિજન્સનો અરીસો છે. એ બતાવશે કે આપણને કઈ બાબતોમાં રસ છે. જો યુટ્યૂબમાં તમને કોઈ પણ બાબતની નવી જાણકારી આપે, નવી સમજ કેળવે એવા વીડિયોની ભરમાર દેખાય તો નક્કી જાણજો કે રોજેરોજ લેવાતી જિંદગીની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવતા રહેશો!
હવેના સમયમાં અનિવાર્યપણે બાળકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ત્યારે આ વખતની કવરસ્ટોરીમાં જે થોડી ઘણી વીડિયો ચેનલ્સ બતાવી છે, એ કે તેના જેવી બીજી ચેનલ્સના વીડિયો તમે જોશો તો ધીમે ધીમે બાળકો પણ એ તરફ દોરવાશે. એવું નહીં થાય તો તેમને બીજી દિશામાં લઈ જાય એવું પણ યુટ્યૂબ પર પાર વગરનું છે.
શું કરવું છે એ આપણે જ નક્કી કરવાનું છે.
જ્ઞાનના પ્રકાશથી ઝળહળતી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ!
– હિમાંશુ
‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.