માની લો કે તમે તમારી ઓફિસમાં બેસીને કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો એ સમયે તમને કોઈ મીટિંગમાં જવા માટેનું કે લગ્ન પ્રસંગે જવાનું ઇન્વિટેશન મળ્યું. એ મીટિંગ કે લગ્ન પ્રસંગનું સ્થળ તમારે માટે અજાણ્યું છે. આથી તમે પીસીના મોટા સ્ક્રીન પર ગૂગલ મેપ્સ ઓપન કરીને તેમાં એ સ્થળ શોધી લેશો અને ત્યાં કેવી રીતે પહોંચાય તેની ડિરેકશન પણ જાણી લેશો.
હવે મજા જુઓ. આ કામ તમે ડેસ્કટોપ પર કર્યું. પરંતુ ખરેખર એ સ્થળે જવા માટે નીકળશો ત્યારે તમે તમારા વાહનમાં હશો! મતલબ કે એ લોકેશનનું નેવિગેશન તમારે સ્માર્ટફોનમાંની ગૂગલ મેપ્સમાં જોવાની જરૂર પડશે.
જો તમે ઓફિસમાં, પહેલેથી કેટલાંક પગલાં લઈ લીધાં હોય તો વાહનમાં બેઠા પછી સ્માર્ટફોનમાં એ લોકેશન ફરી સર્ચ કરવાની જરૂર નથી.
તમે ડેસ્કટોપ પર ડિરેકશન સર્ચ કર્યું હોય ત્યારે ત્યાં જ રૂટના વિવિધ ઓપ્શન્સની સાથે ‘સેન્ડ ડિરેકશન ટુ યોર ફોન’ એવી એક લિંક જોવા મળશે. તેને ક્લિક કરી દેતાં એ રૂટની વિગતો તમારા સ્માર્ટફોનમાં પહોંચી જશે. શરત એટલી કે તમે બંને ડિવાઇસ એટલે કે પીસી અને સ્માર્ટફોન બંનેમાં એક જ ગૂગલ એકાઉન્ટથી લોગઇન હોવા જોઇએ.
એપલ કંપની તેનાં વિવિધ પ્રકારનાં ડિવાઇસને એકમેક સાથે કનેક્ટ કરવામાં ગજબની પાવરફુલ સગવડો આપે છે. તેની જેમ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને મોટી ટેક કંપની પણ આ માટેના વિવિધ રસ્તા આપવા લાગી છે. જોકે એપલમાં આ પ્રકારનું કામ જે સહેલાઈથી થાય છે, તેવી સરળતા હજી અન્ય કંપનીની સર્વિસમાં મળતી નથી.