જો તમે વિદ્યાર્થી, શિક્ષક, સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો.
રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક હોમવર્ક કરવામાં થાય.
વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના થાય :
- જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે? જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું કરો. જો ના, તો બીજો સવાલ ઊભો થાય.
- હોમવર્ક કેમ પૂરું કરવું એ કોઈક રીતે, જાતે શીખી શકાશે? ફરી, જો હા, તો હોમવર્કમાં પૂછેલા સવાલોના જવાબ શોધી કાઢો અને કામ પૂરું કરો. જો જાતે શીખતાં ન આવડે, તો હવે મહત્ત્વનો સવાલ આવે છે.
- હોમવર્કમાં જે પૂછ્યું છે, એ ન શીખીએ તો પરીક્ષામાં માર્કમાં ફેર પડશે? જો ના, તો શીખવાની વાત જ જવા દો. એ નહીં શીખીએ તો ચાલશે. પણ જો માર્ક બગડે તેમ હોય, તો એક જ રસ્તો છે – ક્યાંકથી જવાબ શોધીને બેઠ્ઠી કોપી ઠપકારી દો!
જે વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી ન હોય એ મોટા ભાગે આ છેલ્લી સ્થિતિએ જ પહોંચતા હોય છે અને તેઓ જે શીખવાનું છે એ બરાબર શીખ્યા-સમજ્યા વિના, ક્યાંકથી જવાબ શોધીને કોપી કરી લે છે. હવે આની અસર શી થાય છે એ જુઓ :
હોમવર્ક પૂરું થયેલું હોવાથી ટીચરને ખ્યાલ પણ નથી આવતો કે વિદ્યાર્થીને જે તે મુદ્દો બરાબર સમજાયો નથી. એટલે તેમને એ વિદ્યાર્થી પર વધુ ધ્યાન આપવાની જરૂર લાગતી નથી.
પરિણામે, પરીક્ષામાં એ જ સવાલ જરાક ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવે તો વિદ્યાર્થી ગોથાં ખાય છે.
જો નસીબજોગે સવાલ ટ્વીસ્ટ કર્યા વિના પૂછવામાં આવે અને વિદ્યાર્થીને અગાઉ કોપી કરેલો જવાબ યાદ રહી ગયો હોય, તો તેને બીજા કરતાં વધુ માર્ક મળી જાય છે અને બીજાને અન્યાય થાય છે.
જે વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી ન હોય એ મોટા ભાગે, હોમવર્ક કરતી વખતે જે શીખવાનું છે એ બરાબર શીખ્યા-સમજ્યા વિના, ક્યાંકથી જવાબ શોધીને કોપી કરી લે છે. જેની લાંબા ગાળે બહુ ખરાબ અસર થાય છે.
આ, દુનિયા આખીની શિક્ષણપદ્ધતિની નબળાઈ છે. તેના ઉપાય તરીકે શાળામાં શિક્ષણપદ્ધતિ અને પરીક્ષાપદ્ધતિમાં ફેરફારો કરવાના પ્રયાસો થતા રહે છે.
પરંતુ શાળાની શિક્ષણપદ્ધતિ અને પરીક્ષાપદ્ધતિ – આ બંને બાબત આપણા અંકુશ બહારની છે. ફક્ત, જ્યારે વિદ્યાર્થીએ જાતે શીખવાનો મુદ્દો આવે ત્યારે ઘણી શક્યતાઓ છે.
વિદ્યાર્થી કાં તો ટ્યુશનના સરને પૂછી શકે, બીજા હોશિયાર વિદ્યાર્થી કે મમ્મી-પપ્પાની મદદ લઈ શકે. એ કોઈ તરફથી મદદ ન મળે ત્યારે અથવા તો પહેલેથી, વિદ્યાર્થી ઇન્ટરનેટ તરફ વળે છે અને પૂછે છે ગૂગલગુરુને!