ધીમે ધીમે આપણા સૌના રોજબરોજના કામકાજમાં કમ્પ્યુટરનું સ્થાન સ્માર્ટફોન લેવા લાગ્યા છે. કોઈની સાથે મેસેજની આપ-લે કરવાની હોય તો આપણે ઈ-મેઇલને બદલે વોટ્સએ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ.
ઓફિસના કામકાજની ફાઇલ્સ કમ્પ્યુટરમાં રાખવાના બદલે ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી સર્વિસમાં આપણે સાચવવા લાગ્યા છીએ. એ જ રીતે ફોટોગ્રાફ પણ આપણે કમ્પ્યુટરને બદલે ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં સ્ટોર કરવા લાગ્યા છીએ. આપણું નેટબ્રાઉઝિંગ પણ કમ્પ્યુટર કરતાં સ્માર્ટફોન પર ઘણું વધી ગયું છે.
દેખીતું છે કે સ્માર્ટફોન સતત હાથવગા હોવાથી આપણું મોટા ભાગનું કામ હવે સ્માર્ટફોન પર જ થાય છે. પરંતુ કમ્પ્યુટરની કેટલીક ખાસ સુવિધાઓની આપણને સ્માર્ટફોનમાં ખોટ સાલે છે. જેમ કે માઉસની સુવિધા. સ્માર્ટફોનના ટચ સ્ક્રીનમાં મોટા ભાગનાં કામ માઉસ વિના ચાલી જાય, પરંતુ ટેકસ્ટ સિલેક્ટ કરીને કોપી-પેસ્ટ કરવાનું કામ થોડું માથાકૂટિયું રહે છે.
વાત આઇફોનની હોય કે એન્ડ્રોઇડની, બંનેમાં કોપી-પેસ્ટની સુવિધા બહુ પ્રાથમિક સ્તરની છે. આપણે કોઈ પણ શબ્દ કે વાક્ય કોપી કે કટ કરીએ અને પછી તેને બીજી જગ્યાએ પેસ્ટ કરતાં પહેલાં, ફરી જો બીજું કંઈક કટ કે કોપી કરીએ તો આપણે અગાઉનું કોપી કે કટ કરેલું બધું ગાયબ થઈ જાય. મતલબ કે આઇફોન અને એન્ડ્રોઇડના મૂળ વર્ઝનમાં કોપી પેસ્ટની સુવિધા વન-ટાઇમ સર્વિસ છે.
આ બેઝિક સર્વિસને વધુ સ્માર્ટ બનાવવી હોય તો?
એના રસ્તા જાણતાં પહેલાં, સ્માર્ટફોનમાં કોપી/પેસ્ટ કરવાની કેટલીક પાયાની વાત જાણી લઈએ.