સવાલ લખી મોકલનારઃ ગીરિજા જોશી, નખત્રાણા
એસએમએસ સામાન્ય રીતે સ્માર્ટફોનમાં ખાસ્સી જગ્યા રોકતા નથી, પણ જ્યારે તેનો હદ બહાર ભરાવો થઈ જાય ત્યારે તેની અસર વર્તાવા લાગે છે. મેસેજિંગની એપ ઓપન થવામાં ઘણી વાર લાગે, ખૂલ્યા પછી ઉપર કે નીચેની તરફ સ્ક્રોલ કરવામાં તકલીફ થાય વગેરે એસએમએસનો ભરાવો થયાની નિશાની છે.
સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન ડેટા પ્લાન કે વાઇ-ફાઇથી સહેલાઈથી મળતું હોય તો આપણે હવે લગભગ કોઈને એસએસએસ મોકલતા નથી, વોટ્સએપ જેવી મેસેન્જર સર્વિસનો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણને એસએમએસ આવે છે ખરા, એ પણ ઢગલાબંધ. જો તમારી મોબાઇલ કંપનીમાં તમારો નંબર ડુ-નોટ-ડિસ્ટર્બ તરીકે રજિસ્ટર્ડ ન કરાવ્યો હો તો તો આપણે મેનેજ કરવા મુશ્કેલ થઈ પડે એટલા મેસેજ આવતા રહે છે.
તેના ઉપાય તરીકે, અમુક સંખ્યામાં એસએમએસ જમા થયા પછી, જૂના મેસેજ આપોઆપ ડિલીટ થતા રહે એવી ગોઠવણ કરી શકાય છે.