બિંગ સર્ચ એન્જિનમાં ‘સોલાર સિસ્ટમ’ સર્ચ કરતાં સૂર્ય મંડળની વિવિધ માહિતી આપતી એક ઇન્ટરએક્ટિવ ઇમેજ જોવા મળશે, જેમાં…

આગળ શું વાંચશો?

  • એયુ એટલે?

આપણી પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું?’, ‘શનિ ગ્રહ પૃથ્વી કરતાં કેટલો મોટો?’, ‘પૃથ્વીની ત્રિજ્યા કેટલી?’ આપણા સૂર્ય મંડળ અને તેમાંના વિવિધ ગ્રહો વિશે તમારા મનમાં આવા સવાલો ઊઠતા હોય કે તમને કોઈ આવા સવાલો પૂછી તકલીફમાં મૂકતું હોય તો હવે જવાબ મેળવવા થોડા સરળ છે.

માઇક્રોસોફ્ટ કંપનીના સર્ચ એન્જિન બિંગ (www.bing.com)માં તમે ‘સોલાર સિસ્ટમ’ (Solar System) સર્ચ કરો, તો ગૂગલની જેમ જમણી તરફ સૂર્ય મંડળ વિશે વિકિપીડિયામાં થઈ વિવિધ માહિતી અને વિવિધ માહિતી અને તસવીરો તો જોવા મળે જ, સાથોસાથ, સર્ચ રિઝલ્ટ્સની વચ્ચે બિંગની ટીમે પોતે વિક્સાવેલ એક ઇન્ટરએક્ટિવ ઇમેજ પણ જોવા મળે.

આ ઇમેજ સાથે તેના ઉપયોગ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પણ આખી વાત સહેલાઈથી સમજી શકાય એવી છે. આપણે જ્યારે આ ઇમેજ પર પહોંચીએ ત્યારે તે, એ દિવસની સૂર્ય અને તેની આસપાસના ગ્રહોની સ્થિતિ દર્શાવે છે. જોકે પછી તરત જ, સ્થિતિ બદલાતી રહે છે, અવિચળ સૂર્યની આસપાસ બધા ગૃહ તેમની નિશ્ચિત ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતા રહે છે. ઇમેજના નીચલા જમણા ખૂણે તારીખ, મહિના, વર્ષ વગેરે બદલાતું રહે છે ઇમેજમાં છેક નીચે આપેલા સ્લાઇડરની મદદથી આપણે ટાઇમ ટ્રાવેલ કરી શકીએ છીએ! એટલે કે સ્લાઇડરને જમણી તરફ ખસેડીને કે પ્લસ પર ક્લિક કરીને ગ્રહોની પરિભ્રમણની ઝડપ વધારી શકીએ છીએ. સ્લાઇડરને ડાબી તરફ ખસેડી વિતેલા સમયમાં ગ્રહોની સ્થિતિ જોવા મળે છે અને ગ્રહો ઊંધી દિશામાં ગતિ કરે છે!

ફરી આજની સ્થિતિમાં આવવા માટે સ્લાઇડરની બરાબર વચ્ચેના બટન પર ડબલ ક્લિક કરો. હવે ગ્રહો જે તે દિવસની સ્થિતિ અનુસાર સ્થિર થશે.

ઇમેજમાં નીચેની તરફ ડાબી બાજુ જુદા વ્યૂના કંટ્રોલ આપ્યા છે. સૌથી ડાબી તરફના વર્તુળ પર ક્લિક કરતાં, ડિફોલ્ટ વ્યૂ જોવા મળશે. ઇમેજમાં ગમે ત્યાં ક્લિક કરી, માઉસથી ઉપર કે નીચેની તરફ ડ્રેગ કરશો તો સમગ્ર સૂર્ય મંડળને જોવાનો એંગલ બદલી શકાશે. આ જ કામ, જમણી તરફ ઉપર આપેલા તારા પર ક્લિક કરીને પણ કરી શકાશે.

ફરી નીચે, ડાબી તરફ જોઈએ તો ‘પરેડ’ વ્યૂનો એક વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરતાં, સૂર્ય અને પ્લુટો વચ્ચેના બધા ગ્રહ તેમના ક્રમ અનુસાર હરોળબંધ દેખાશે. કોઈ પણ ગ્રહ પર ક્લિક કરતાં, તેના વિશેની પ્રાથમિક માહિતી મળશે (ઇમેજના કોઈ પણ વ્યૂમાં હોઈએ ત્યારે આ રીતે ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકાય છે, ગ્રહ પર ડબલ ક્લિક કરતાં, બિંગમાં તેને વિશે નવેસરથી સર્ચ થશે).

વ્યૂનો બીજો એક વિકલ્પ, દરેક ગ્રહના કદની સરખામણી દર્શાવતી ઇમેજ જોવાનો છે. માઉસના સ્ક્રોલ બટનની મદદથી ઇમેજને ઝૂમ ઇન કે ઝૂમ કરવાનો  વિકલ્પ પણ છે.

સર્ચ એન્જિન તરીકે સમગ્ર ઇન્ટરનેટમાં જબરી ધાક જમાવી દેનારા ગૂગલનો સામનો કરવા માટે માઇક્રોસોફ્ટ કંપની અવારનવાર જુદા જુદા પ્રયાસો કરતી રહે છે. આ ઇન્ટરએક્ટિવ ઇમેજ આવો જ એક પ્રયાસ છે. બંને મહારથી કંપનીની હરીફાઇ આપણા માટે ‘દેખીતી રીતે’ લાભદાયી છે!

એયુ એટલે?

આ ઇન્ટરએક્ટિવ ઇમેજમાંથી તમને જાણવા મળશે કે…

  • સૂર્યની ઉંમર ૪.૫ અબજ વર્ષ છે.
  • સૂર્યની ત્રિજ્યા પૃથ્વી કરતાં ૧૧૦ ગણી વધુ છે.
  • પૃથ્વીની ત્રિજ્યા ૬૩૭૧ કિલોમીટર છે (અમદાવાદથી દિલ્હી જઈ પરત આવીએ એ રીતે ત્રણ આંટા જેટલું અંતર!).
  • આ ઇન્ટરએક્ટિવથી પેરિહેલિયન અને એફિલિયન જેવા અજાણ્યા શબ્દ પણ જાણવા મળશે. પેરિહેલિયન એટલે કોઈ પણ અવકાશી ગ્રહ તેની ભ્રમણકક્ષામાં સૂર્યથી સૌથી નજીક હોય તે બિંદુ અને એફિલિયન એટલે સૂર્યથી સૌથી દૂર હોય તે બિંદુ.
  • પૃથ્વીનું પેરિહેલિયન ૦.૯૮ એયુ અને એફિલિયન ૧.૦૧ એયુ છે. સરસ, પણ આ એયુ એટલે? એસ્ટ્રોનોમિકલ યુનિટ, અવકાશના સંદર્ભમાં લંબાઈનો એકમ. એક એયુ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું લગભગ અંતર. લગભગ એટલા માટે કે પૃથ્વી સૂર્ય ફરતે એકદમ ગોળાકારમાં ફરતી નથી!
  • વધુ માહિતી માટે બિંગ કે ગૂગલ કે વિકિપીડિયા ફંફોસો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here