મુંબઈ હોય કે અમદાવાદ, ઘર બહાર ગયેલા સ્વજનની સલામતી વિશે પરિવારના અન્ય સભ્યો સતત ચિંતામાં રહે છે. સ્માર્ટફોનનની મદદથી, આપણે એકબીજાનું સચોટ લોકેશન જાણી શકીએ છીએ, સતત!
મુંબઈ બ્લાસ્ટ્સ પર આધારિત ફિલ્મ ‘વેનસડે’ તમે જોઈ હતી? તેમાં, આતંકવાદીઓ સામે અકળાયેલા કોમનમેન નસીરુદ્દીનનો એક ડાયલોગ કંઈક આવો છે… “મુંબઈવાલા ઘર સે ઓફિસ જાતા હૈ તો બીવી બારબાર ફોન કરતી હૈ, ચાય પી લી? ટીફિન ખા લીયા? દરઅસલ, વો જાનના ચાહતી હૈ, તુમ જિન્દા તો હો?’’
કમનસીબે, આપણા દેશમાં આ સ્થિતિ ફક્ત મુંબઈ પૂરતી સીમિત નથી. વાત કુંભમેળા કે જનઆંદોલનમાં ગયેલા સ્વજનની હોય કે પછી મોડી સાંજ સુધી ઘેર પરત ન ફરેલી દીકરીની હોય, ઘરે હાજર વ્યક્તિ સતત ચિંતામાં રહે છે, સ્વજન હેમખેમ તો હશેને?
સદનસીબે, આ સ્થિતિમાં પણ ટેક્નોલોજી આપણી સારી એવી મદદ કરી શકે છે. સોશિયલ મીડિયા શેરિંગ હવે એટલું સામાન્ય બન્યું છે કે આપણે જે તે સાઇટનાં સેટિંગ બરાબર સમજ્યા ન હોઈએ તો આપણે ક્યારે અને ક્યાં શું કર્યું એ દુનિયા આખી જાણી શકે છે. આ જ ખાસિયત, વિશેષ સંજોગોમાં આપણા માટે મદદરૂપ પણ થઈ શકે છે.