આ કોઈ એન્જિનીયરિંગની નવી શાખા નથી, પણ કોઈ ટેક્નોલોજી વિના, ફક્ત ચાલબાજીથી લોકોને છેતરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ કે નેટ એકાઉન્ટમાંથી ખાનગી માહિતી ચોરવાની રીત છે, જેનો સામનો કરવા જરૂરી છે કોમન સેન્સ!
આગળ શું વાંચશો?
- શું છે સોશિયલ એન્જિનીયરિંગ?
- કેવી રીતે થાય છે સોશિયલ એન્જિનીયરિંગ?
- કેવી રીતે બચીશું?
- ભારતમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું કૌભાંડ
રાતના સવા બે વાગ્યાનો સમય છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં નવાસવા આવેલા જુનિયર મેનેજરનો મોબાઇલ વાગે છે. પથારીમાંથી સફાળા જાગીને જુએ છે તો કંપનીનો નંબર દેખાય છે. વાતચીત કરતાં ખબર પડે છે કે કંપનીના ડેટા સિક્યોરિટી સેન્ટરમાં ઇમરજન્સી એલર્ટ આવેલ છે, જેથી કંપનીના હાઈ-પ્રોફાઈલ લોકોનો ડેટા સુરક્ષિત કરવા માટે આઈટી વિભાગે તાત્કાલિક યુઝર્સના આઈડી પાસવર્ડ ચેન્જ કરવા પડે એમ છે. મેનેજર સાહેબ પાસવર્ડ બદલવા માટે જરૂરી બધી જ વિગતો જણાવીને સૂઈ જાય છે.
સવારે ઓફિસ પહોચતાં ખબર પડે છે કે કંપનીમાં એવો કોઈ એલર્ટ આવ્યો જ નહોતો! મેનેજરને ભાન થાય છે કે તેમની ભૂલને કારણે કંપનીનો બધો જ ખાનગી, ઓફિશિયલ ડેટા ચોરાઈ ગયો છે. મેનેજરને ખ્યાલ આવે છે કે પોતે સાયબર ક્રિમિનલ્સ દ્વારા સોશિયલ એન્જિનીયરિંગનો શિકાર બન્યા છે.
શું છે સોશિયલ એન્જિનીયરિંગ?
પહેલી વાર નામ સાંભળનાર મિત્રોને લાગશે કે એન્જિનીયરિંગની કોઈ શાખા હશે! વાસ્તવમાં, સોશિયલ એન્જિનીયરિંગ એ એક પ્રકારની ખાસ કળા છે, જેના દ્વારા સાયબર ક્રિમિનલ્સ કોઈ પણ વ્યક્તિને ભોળવીને, વિશ્વાસમાં લઈને પોતાને જોઈતી માહિતી મેળવી લે છે અને તેના ઉપયોગ વડે પોતાના ટાર્ગેટને નુકસાન કરી શકે છે. આવા પ્રકારના કામમાં કોઈ ખાસ ટૂલ કે સોફ્ટવેરની જરૂર પડતી નથી કે ના તો કોઈ ખાસ ટેકનિકલ નોલેજની. માત્ર વાક્ચાતુર્ય દ્વારા જોઈતી માહિતી મેળવી લેવામાં આવે છે.
સોશિયલ એન્જિનીયરિંગ વિશે આમ તો આ આખું મેગેઝિન ભરાય એટલી ટેકનિક, ઉદાહરણો અને કેસ નોંધાયેલા છે, પરંતુ આપણે માત્ર તેના વિશે બેઝિક સમજ અને સાવધાનીના ઉદેશ સાથે જરૂરી અને ગંભીર ઉદાહરણો પર ચર્ચા કરીશું.
સોશિયલ એન્જિનીયરિંગ પાછળનો સાયબર ક્રિમિનલ્સનો મુખ્ય હેતુ ટાર્ગેટની કમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેની માહિતી મેળવવાનો હોય છે. જ્યારે કોઈ હેકિંગ ટૂલ કે ટેકનિક કામ ના આવે ત્યારે સોશિયલ એન્જિનીયરિંગ ટેકનિક દ્વારા કોઈ કંપનીની લોગ-ઇન ઇન્ફર્મેશન, બિઝનેસ ઇન્ફર્મેશન, બેન્કિંગ ઇન્ફર્મેશન વગેરે મેળવવામાં આવે છે.