ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આપણને ‘વેલકમ ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે અને કેટલાક દિવસો પછી ફરી એ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે તે ‘વેલકમ બેક ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે. એ વેબસાઇટને કેવી રીતે ખબર પડી કે આપણે અગાઉ તેની મુલાકાત લઈ ચૂક્યા છીએ?