લાઇટ, રેડિયો, ટીવી, આપણું પોતાનું મગજ… આ બધાંનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ અને છતાં એ બધાં વિશે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ! ઇન્ટરનેટનું પણ એવું જ છે – ઈમેઇલ, ફેસબુક, સર્ફિંગ આ બધું આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે, પણ એ ખરેખર કઈ રીતે કામ કરે છે એ વિશે પ્રમાણમાં ઘણું ઓછું જાણીએ છીએ.
આમ તો કાર ચલાવવા માટે બોનેટની અંદર શું છે અને એ મશીન કેવી રીતે કામ કરે છે એ ન જાણતા હો તોય ચાલે, પણ જો એ વિશે થોડું પણ જાણતા હો તો ક્યારેક કામ જરૂર લાગે. આ જ અભિગમથી ઇન્ટરનેટની પણ જરા ‘ઊંડી’ જાણકારી મેળવવી હોય તો એક સરસ ઇન્ફોગ્રાફિક તૈયાર કરવામાં આવ્યું છે.
આ લેખના અંતે આપેલી લિંક પર જઈને તમે તેના વિશે વધુ વિગતવાર માહિતી (અલબત્ત, ઇંગ્લિશમાં!) મેળવી શકશો, અહીં સરળ ગુજરાતીમાં એનો પરિચય મેળવી લઈએ.