ઇન્ટરનેટ પર જાહેરાતોની ભીડ વધતાં લોકો એડ બ્લોકિંગ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીતા બ્રાઉઝર ઓપેરના નવા વર્ઝનમાં આવી ઇન-બિલ્ટ સુવિધા મળશે.
એક જ વેબસાઇટના, લગભગ એક જ સમયે લેવાયેલા બાજુના બે સ્ક્રીનશોટ જુઓ – તફાવત ઊડીને આંખે વળગે છેને? સામાન્ય રીતે જુદી જુદી વેબસાઇટ્સ પર એટલી બધી જાહેરાતો જોવા માટે આપણી આંખો ટેવાયેલી હોય છે કે જાહેરાત વિના, વેબસાઇટ આટલી ક્લીન હોઈ શકે એ માનવું થોડું મુશ્કેલ બને.
મોટા ભાગની સાઇટ્સ પર તમે જોયું હશે કે તેમાં મૂળ કન્ટેન્ટની ચારે તરફ (અને ક્યારેક તો મૂળ કન્ટેન્ટને કામચલાઉ ઢાંકી દે એ રીતે!) જાહેરખબરની ભરમાર હોય છે.
સમગ્ર વિશ્વમાં અને ભારતમાં પણ ડિજિટલ એડવર્ટાઇઝિંગ સતત વધી રહ્યું છે. એક ગ્લોબલ એડવર્ટાઇઝિંગ ગ્રૂપના ભાગરૂપ, ગ્રૂપએમ નામની એક મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે ટીવી, રેડિયો, ન્યૂઝપેપર્સ, મેગેઝિન વગેરેમાં જાહેરાતો આપવાનું પ્રમાણ ઘટી રહ્યું છે, પણ ડિજિટલ મીડિયામાં એડ્સમાં સતત બહુ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
અખબાર, સામયિક, ટીવી વગેરે પરંપરાગત માધ્યમોની જેમ ઇન્ટરનેટ પરની સાઇટ્સ માટે પણ જાહેરખબરો જીવાદોરી સમાન હોય છે અને ઇન્ટરનેટ પરની ઘણી ખરી સાઇટ્સ વાચકો માટે ફ્રી રહી શકે છે એના મૂળમાં પણ તેમને થતી જાહેરખબરની કમાણી છે એ વાત સાચી, પરંતુ જ્યારે આવી જાહેરખબરનો અતિરેક થવા લાગે ત્યારે લોકો તેના ઉપાય શોધવા લાગે.
ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ દરમિયાન જાહેરાતોનો રોકવાનો એક રસ્તો એટલે એડ બ્લોકિંગ.