આવનારા સમયમાં કમ્પ્યુટર કેવાં હશે? આપણે એ આજે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, તેને ખરીદી પણ શકીએ છીએ! બજારમાં આવી ગયેલાં પેનડ્રાઇવ જેવડાં સીપીયુ હજી પ્રાથમિક છે, પણ ભાવિનો અણસાર જરૂર આપે છે.
કમ્પ્યુટર આ એક નાના અમથા શબ્દમાંથી, હજી નાનો અમથો, છેલ્લો ર કાઢી નાખીએ તો શું થાય? કમ્પ્યુટરની સાઇઝ અને વજન બંનેમાં ધરખમ ઘટાડો થઈ જાય! માન્યામાં નથી આવતુંને? હમણાં હમણાં, કમ્પ્યુટરના પ્રાણ સમાં પ્રોસેસર બનાવતી કંપની ઇન્ટેલ અને સ્માર્ટફોન-ટેબલેટના ક્ષેત્રે નામ જમાવી રહેલી આઇ-બોલ કંપનીએ બિલકુલ એક પેનડ્રાઇવની સાઇઝનાં કમ્પ્યુટર લોન્ચ કર્યાં છે. આઇ-બોલે પોતાની પ્રોડક્ટનું નામ સ્પ્લેન્ડો રાખ્યું છે, જ્યારે ઇન્ટેલે રની બાદબાકી કરીને નામ પાડ્યું છે કમ્પ્યુટ!
છેલ્લા થોડા સમયથી કમ્પ્યુટિંગના ક્ષેત્રે જે ઉથલપાથલ ચાલી રહી છે એ ખરેખર રસપ્રદ છે. કમ્પ્યુટર આખેઆખા રૂમ જેટલી જગ્યા રોકતાં એ જૂના જમાનાને બાદ કરીએ તો હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે કમ્પ્યુટર એટલે સીપીયુ, મોનિટર, કી-બોર્ડ અને માઉસનો જમેલો. પછી લેપટોપ, મેકબુક વગેરે આવ્યાં અને પર્સનલ કમ્પ્યુટર જરા વધુ પર્સનલ બન્યાં. પછી, વળી લેપટોપની નાની બહેન જેવી નેટબુક આવી ને પછી અલ્ટ્રાબુક પણ આવી. બીજા છેડે સ્માર્ટફોન કમ્પ્યુટરનું ઘણું બધું કામ કરવા લાગ્યા અને એનો સ્ક્રીન નાનો પડ્યો એટલે આઇપેડ, ટેબલેટ, ફેબલેટ વગેરે આવ્યાં. પછી લેપટોપ અને ટેબલેટ બંનેની જેમ કામ આપે જેવી કન્વર્ટીબલ અલ્ટ્રાબુક્સ પણ આવી. વચ્ચે ગૂગલે ક્રોમબુક નામે નવો ચીલો ચાતરવાની કોશિશ કરી.